પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
લશ્કરની હાલત


આ વેળાએ જે લશ્કરની સઘળી રીતભાત શિવાજી પાસે રહીને સારી રીતે જાણી ગઈ હતી, તે જ તેના શત્રુરૂપે કામ કરવા લાગી. જે લૂટમાંથી રમાને લાવ્યા હતા, તે લૂટમાં માલુસરેને હાથે એ પહેલી પકડાઈ હતી. માલુસરેએ આ મરાઠણ છે એમ માની તેની સાથે લગ્ન કરવાનો કેાલ આપ્યો, પણ ઘણા દિવસ સુધી રમાને કેદમાં પૂરી રાખીને પોતાના કોલનો ભંગ કીધો. શિવાજીના એક ચાકરે કેદખાનામાંથી આ કેદણને છોડાવી. શિવાજી તેની મોહક મૂર્તિ જોઈને મોહિત થયો. આ વખતે એની મરજી લગ્ન કરવાની હતી, પણ પછી જ્યારે એમ માલમ પડયું કે, તેની મા મુસલમાની છે ત્યારથી તેણે પોતાના વિચારમાં ફેરફાર કરી નાંખ્યો. લગ્ન કરવાને ઘણી વેળા માગણી કીધા છતાં તે તેને ઉડાવ્યા કરતો હતો. રમા મૂળથી માલુસરેપર મોહી પડી હતી, પણ જ્યારથી તેણે તેને કેદખાનામાં સપડાવી, ત્યારથી તે વેરીલી આંખથી તેના પ્રત્યે જોતી હતી; તેમાં જ્યારે શિવાજીએ લગ્ન પણ ન કીધું અને તેને છૂટકારો પણ ન કીધો ત્યારથી તે વધારે ખૂનપર ચઢી હતી. શિવાજી માટે ગમે તેમ કહેવામાં આવે, તથાપિ આ તે સર્વથા સિદ્ધ છે કે તે લંપટ ન હતો; તો પણ રમાને ન જવા દેવામાં તેનો શા હેતુ હતો, તે સમજાય તેમ નથી. આવી ખરાબ ગુલામી સ્થિતિમાં રહેવાનું રમાને પસંદ ન હોવાથી તે છૂટવાને વિચાર કરતી, અને તેને વારંવાર અટકાવવામાં આવતી હતી. આથી એમ કરતાં નિરંતર દુઃખ ધરીને, કાં તો મરવું કે કાં તો વેર લેવું, એ ધૂન તેના મનમાં ઘૂમી રહી હતી. આવા જ હેતુથી તેણે કોટપરથી તૂટી પડીને શહેરના દરવાજા ઉઘાડ્યા હતા, પણ “જેને રામ રાખે તેને કોણ ચાખે", તેમ એનું રક્ષણ થવાનું હતું. એ પોતાનું વેર લેવાની હતી ને એના નસીબમાં નવલ સુખ હતું, તેમાંથી કોણ અટકાવ કરી શકે?

રમા ઘોડાને એડી મારતી દોડી ત્યારે કેટલાક મરાઠાની નજર તેની તરફ ગઈ ખરી, પણ કેાઈએ બરાબર લક્ષ દીધું નહિ; કેમકે મેદાનમાં જ્યાં અખાડો મચવાને હતો, તે તરફ સર્વેની વૃત્તિ હતી.