પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
રમા ને મોતીનો સમાગમ

ખરેખર ઈશ્વરપ્રેરિત જ જાણવું. રમા સાથે જે નવો સરદાર ગયો તે તેનો પ્રીતમ છે એવી તેને ખબર હતી જ નહિ, પણ રમાના પાછા ફરવાથી તે સરદારનો નાશ થઈ ગયો હશે જ, અને પોતાનો પ્રીતમ છૂટો પડ્યો છે તે કદાપિ એ સરદાર તો ન હોય એમ શંકા આવતાં પ્રીતિનું આકર્ષણ ખરેખર ખડું થયું. એ શંકા તો ખરી હતી. સરદાર મોતી બેગમનો પ્રીતમ-પતિ હતો. એ હમણાં જે સંકટમાં હતો તે સંકટ ઘણું ભારી હતું. એ જીવ સટોસટના સંકટમાંથી ઈશ્વર છોડવે ત્યારે છૂટાય એવો બારીક મામલો હતો. નવાબને પણ પોતાની જિંદગીની જરાપણ આશા નહતી, તથાપિ તે જીવતો છે, અને તેના મરણનાં અપશુકન માન્યાં, તે માત્ર સ્ત્રીઓની અધીરતા શિવાય બીજું કશું નહોતું.

બંને જમીનપર બેઠા પછી લગભગ દશ મિનિટ વીતી ગઈ ત્યાં સૂધી કંઈ પણ ખુલાસો થયો નહિ. થોડા વખતમાં મોતી બેગમ સ્વસ્થ થઈ, જેવા સમાચાર હોય તે જાણવાને આતુર થઈ. આ મરાઠણ કે જેનું નામ તેને માલમ નહોતું, તેની નજીક જઈને પરોણી કોણ છે, શા માટે આવી છે, ને શા સમાચાર લાવી છે તે જાણવાને ઉદાસ થઈ બેઠી. પણ આ મરાઠણ તો હમણાં તદ્દન બેદરકાર જણાઈ. તેનો અડધા કલાકપરનો ઉમંગ ને મોં પરનું નૂર હમણાં ઉડી ગયાં હતાં. પોતાના બે પગ વચ્ચે માથું નીચું નમાવી, પગની આસપાસ હાથ વીંટાળી નિરાશ થઈને તે બેઠી હતી. મોતી બેગમની ચપળતા, તેની કાંતિ અને તેનું લાવણ્ય એ સઘળું જોઈને એ એટલી તો ખિન્ન થઈ કે, તે વારંવાર “હર હર” એમ ઈશ્વરનું સ્મરણ કરી પોતાના કોઈ અઘોર પાપ માટે માફી માગતી હોય તેમ પ્રાર્થના કરીને મનનો તાપ સમાવતી હતી. બોલવાની શુદ્ધિ જતી રહી હતી, ને પોતાની જીભ ઉપાડવાને તેને હિમ્મત થતી નહિ. તે મનમાં ધારતી હતી કે, મારા મનોવિકાર વિપરીત થયા છે, ને તેની શિક્ષા, એ મને કર્યા વગર રહેશે નહિ, એથી તે દિગ્મૂઢ બની ગઈ. એ સમયે રમા શું બેાલે છે, તેની વાટ મોતી જોતી હતી અને મોતીના બોલવાની વાટ રમા જોતી હતી.