પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
રમા ને મોતીનો સમાગમ

જો તમે મારાપર ઇતબાર મૂકતાં હો તો, વહાલાં બહેન, ખાત્રી રાખજો કે, એ કાળા મોંના ચંડાલ લૂટારાઓને મારી ઉતારી આ શહેરને સ્વસ્થ કરીશ અને તમારો પ્રીતમ તમને આવીને ભેટશે.”

“ભલે, તને જ હું આજથી મારી રાહબર સમજીશ.” મોતીએ મોટા ઉમંગથી રમાને ભેટીને કહ્યું અને તેના હાથને ચુંબન કીધું. “બહેન, મારી એક બીજી સખીમાં તું આજે ત્રીજી થઈ. મારી જીંદગી સુધી તું દુ:ખી થશે નહિ ને તારાથી હું વિખૂટી પડીશ નહિ.”

“એ બધી વાતો નવરાશે કરવાની છે, હાલમાં જે કરવાનું છે તે કરવામાં વિલંબ શો ?”

“તમે મને કહેશો વારુ કે મારો પ્રીતમ ત્યાં શું કરે છે ?”

“તે હમણાં એક એવા સંકટમાં છે કે, જો તેમાંથી ઉગરે કે વિનાશ પામે તો પણ જગતમાં અમર કીર્તિ ભોગવશે.”

“તેમના બચવાની આશા છે ખરી ?”

“તમે ધારો છો તેથી વધારે.”

“તમારો ઘણો ઉપકાર માનું છું.”

“એ ઉપકારની વાત હમણાં કરવાની નથી જ.”

“ત્યારે ચાલો આપણે લશ્કરને સજ્જ કરીએ.”

“અને તેમાં આજે આપણે ત્રણે સ્ત્રીઓ યાહોમ કરી ઝંપલાવીએ.”

“તમે પણ અમારી સાથે રણસંગ્રામમાં આવશો ?!”

“કેમ નહિ? તમે જેટલું કરશો તેથી વધારે કરીશ - મારા હાથ જોજો.”

“શાબાશ હય ! ઓ નાજનીન, તુમ દોનોંકા તાબએ ફરમાન હમારા સારા લશ્કર તૈયાર હય ! ખુદા તુમ્હારા નિગાહબાન હો !”

છેલ્લું વાક્ય રમા બોલી તે નવરોઝે આવતાં સાંભળ્યું ને તે ઘણા ઉમંગથી એ પ્રમાણે બુમ પાડી ઉઠ્યો.