પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧


પ્રકરણ ૧૯ મું
દ્વંદ્ધયુદ્ધ

જે રીતની યોજના, અને જે રીતનું ભય હમણાં મોં આગળ આવ્યું છે તે અતિશય ઈંતેજારી લાવે તેવું છે (અગરજો કેટલીક રીતનાં પ્રકરણો જિજ્ઞાસુને પણ જણાય છે), અને તેથી સુશીલ વાંચનારાને જણાવીએ છીએ કે, હાલનો બનાવ સૂર્યપુરની પૂર્વ બાજુના મેદાનમાં બને છે. જ્યાં કંઈ મજલિસ નથી જે વાતોના તડાકા ચાલે, અથવા ટોલટપ્પા અથવા પ્યારના ઉભરા અથવા નીતિનાં વ્યાખ્યાનો અથવા ધર્મનો બોધ આપવામાં આવતો હોય તેવું પણ નથી. એ જિંદગીના સાધારણ બનાવો બહુ ચમત્કારિક છે, પણ આ બનાવ તો દિલને કંપાવે તેવો અને જીવ સટોસટના સોદાનો છે, અને કંઈ સેંકડો જીવોનો બે ત્રણ અમૂલ્ય પ્રાણીની જિંદગી ઉપર જ આધાર રાખવામાં આવ્યો છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે:- મોતી, પોતાના પ્રીતમથી વિખૂટી પડેલી છે, જેમ એક ઘેટીનું બચ્ચું પોતાની માથી વિખૂટું પડ્યું હોય ને ઘેટું પોતાના પોષણકર્તાથી વિખુટું પડ્યું હોય ! નવાબ પોતાના હજારો શત્રુ સામા મરવાને તત્પર થયો છે, જ્યારે તેના મોં આગળથી દુનિયાની જંજાળ જતી રહી છે, અને માત્ર બે જ છબીઓ સાક્ષાત સન્મુખ આવીને ઉભી છે: રમા ને મોતી : રમાનું લક્ષ નવાબની જિંદગીના આધાર ઉપર છે અને તે એટલું જ ઇચ્છે છે કે, તાનાજી માલુસરેનું મોત થાય અને પ્રભુ વિઠોબા નવાબ યવનની વાહારે ધાય. આ ત્રણમાંથી કોણ બચે છે ને કોણ સંસારવિલાસ સુખ ભોગવે છે, એ મોટો ચમત્કાર દૈવાધીન હોવાથી હમણાં સૌનું લક્ષ તેપર ખેંચાયું છે.

આજ બનાવના રંગને હમણાં અમે ધોળીએ છીએ - પછી તે કુત્રિમ હો, કદી મતલબસર હો, વાસ્તવિક હો, કે અદ્ભૂત હો, તોપણ રસજ્ઞ વાંચનાર માટે લક્ષપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે.