પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
દ્વંદ્વયુદ્ધ

પીઠપર મહમ્મદનો સાયો છે. તે તને અંધને સૂઝશે નહિ, પણ હવે તપાસતો રહેજે કે તારે નાસવું ન પડે.”

નવાબનાં આ વેણ તો તેના કાળજામાં કોતરાયાં. બોલવાનું બોલવાને ઠેકાણે રહ્યું ને ધીમે ધીમે તેજ હરાઈ જવાથી તે તદ્દન ગાફેલ થતો ગયો. આ મોંપર થતો ફેરફાર શિવાજીએ જોયો ને તે ઘણો ગભરાયો. જો તેનાથી બને તો આ રીતના દ્વંદ્વયુદ્ધનો અંત લાવવા માગતો હતો, કેમ કે મુસલમાન સરદારની હોશિયારી જોઈને તે ઘણો આશ્ચર્ય પામ્યો હતો.

તાનાજીએ હવે તો મરવું કે મારવું, એવો જ નિશ્ચય કીધો. હવે કંઈ તેનો ઉપાય નહોતો કે, આમને આમ અપમાન લઈને પાછા હઠાય; કેમકે પાછા હઠવાથી તે જીવતી નહિ પણ મુઆ જેવી જીંદગી ગુજારત. તેણે ધાર્યું કે આમ લડવાથી કદી ફાવિયે કે નહીંએ ફાવિયે, તેથી મરાઠાઓની હમ્મેશની રીત મુજબ પ્રપંચ કરવા ધાર્યો. તે નક્કી જાણતો હતો કે, મુસલમાનો આ છાવણીમાંથી પાછા જઈ શકવાના નથી, પણ તેટલું છતાં એણે પોતાના એક શાગિર્દને - જો બને તો - સરદારનું કાટલું કરવાના વિચારથી ઉશ્કેરી મૂક્યો હતો, તેને બોલાવ્યેાઃ

“તપાસ તો યશવંત !” તાનાજીએ બૂમ મારી,-“એને નાસતો અટકાવજે, એ હવે બચવાનો નથી. હમણાં હું એનું માથું ધૂળ ભેગું કરું છું, ને એના આત્માને એના વડવાઓ પાસે નરકમાં મોકલાવી દઉં છું.”

યશવંત નવાબની પીઠપર ગયો ત્યાં ચારે પઠાણો, પોતાના પ્રાણ આપવાને તત્પર હતા. તેઓએ યશવંતને તરવારથી સલામ આલેકુમ. કીધી. યશવંતે પોતાની મદદે બીજા પાંચને રાખ્યા હતા. તાનાજીએ પોતાનું ખડગ કાઢ્યું. તે તપાસીને દુશમનપર ધસવાને તૈયાર થયો. નવાબ પણ હવે સાવધ હતો, તે સઘળું ચેતી ગયો હતો ને યશવંતને તપાસવાને પોતાના પઠાણ - અંગરક્ષકો તરફ અાંખ ફેરવી, અને પોતાની કમરમાંથી ઘણો સરસમાં સરસ જમૈયો કાઢયો; ને તેને એવી રીતે બતાવ્યો કે, સૌએ એમ જ માન્યું કે આ છાતીમાં ભોકવાની નિશાની છે.