પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
સુરતની સુરત!


મુસલમાન હતો ને મોટા આરબી ઘોડાપર સવાર થયો હતો; હાથમાં ભાલો ને નાગી તરવાર લકટતી હતી; શરીરપર કડીયાળું બખ્તર ધારણ કીધુ હતું, અને મોંપર લાંબો ટોપ મેલ્યો હતો; એટલે દેખાવ જ વિકરાળ લાગતો હતો. તેનો લેંધો તંગ હતો, ને તેપર ચામડાના પટ્ટાવિંંટાળી દીધા હતા; આંખ મોટી હતી ને તે ઘડીને પળે જાણે રુદ્રનો કોપ કરશે તેવી દેખાતી હતી. ઘોડો વારંવાર ખોંખારતો હતો, ને તેની લાંબી કેશાવળીથી ગરદન છવાઈ રહી હતી. આવી મૂર્તિને જોઈને વળી આ નવો જ બનાવ શો છે, એ જાણી સઘળા ચકિત થયા.

પેાતાના સરદારો વચ્ચે પહેલી વાતચિત થયા પછી, શિવાજીએ પોતાની મંડળી હજુર, પેગામચીને બોલાવ્યો. કોણે સવાલ કેમ કરવો તેનો જ આ મૂર્તિને જોતાં વિચાર થયો ! સઘળાની સામા આ પ્રતિનિધિ જે રીતે જોતો હતો, ને વારંવાર ચક્ષુને ગતિ આપી આમતેમ નજર નાંખતો હતો, તે જોતાં સૌને એમ પણ ભાસ્યું કે, રખે તે કોઈનું રક્ત રેડે! થોડીવાર સૌ મૌન ધરી રહ્યા, પણ અંતે ખરેખરા ગર્વથી શિવાજીએ પ્રશ્ન કીધો.

“તું પ્રતિનિધિનું કામ કરવાને માટે આવેલો છે ?”

“એમ તો ખરું જનાબ !” પેલા પ્રતિનિધિએ જવાબ દીધો.

“તારા ઠાકોર અને દેશાઈની માગણી અમે નાકબૂલ કરીએ તો તેઓ શું કરી શકશે વારુ ?”

“તરવાર પોતાનું કામ બરાબર બજાવશે, ને તમારા માણસોનાં મડદાં અત્રે રઝળશે ?”

“તમારું નામ શું છે ?”

“ સલાદીન તે વીર યોધો !”

“ ખરેખર સલાદીન, તારા જેવો વીર યોધો માંડવીના ઠાકોરના અાસરામાં છે તો તેવા બીજા કેટલા હશે ! તને શું મુસારો મળે છે ? તેં માત્ર એક થોડા પૈસાને ખાતર તારી જિંદગી ખરેખર જોખમમાં નાંખી છે, એ બહુ ચમત્કારિક વાત છે. જો તારી ઇચ્છા હોય તો તું તારે જોઈયે તેટલું દ્રવ્ય પેલા તંબુમાંથી લે અને કોઈપણ પ્રકારે અમારો સહાયક થા.”