પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
શિવાજીની સુરતની લૂટ


“હું ધારું છું કે, હવે આપણે રણક્ષેત્રની નજીક છિયે,” શિવાજી બેાલ્યો. “સામું ઘોડેસ્વાર લશ્કર હણહણાટ કરી રહ્યું છે, ને મને લાગે છે કે દૂરથી રણસિંગડાં ને પડઘમનો અવાજ આવે છે, નહિ વારુ ? હવે આપણે સર્વ પ્રકારે સજ્જ થઇ રહેવું અને આપણી પોતાની કીર્તિ, માટે, આપણી સ્ત્રીઓની નામના માટે શુરા યોધાએાએ અચળ હિમાલય પેઠે ઉભા રહેવું જોઈયે, મેળવેલી કીર્તિ અને રામદાસ સ્વામીનું વચન એ બન્ને૫ર વિચાર કરી તમારે દરેકે પોતાનું કર્તવ્ય કર્મ કરવું.”

આ સાંભળતાં જ સઘળા સરદારો, સામંતો, તીરંદાજો, ભાલેદારો અને તરવારિયાઓ એકદમ બરાબર વ્યૂહમાં ગોઠવાઈ ગયા. જો કે દક્ષણીઓ ઘણા થોડા હતા તોપણ તેઓ આ વેળા બહુ સાવધ ને ગંભીર બન્યા હતા; ને સત્ય કહીએ તો આટલું તો તેમના મોંપરથી સ્પષ્ટ જણાતું કે, તેઓમાં બીક તો જરાએ જણાતી ન હતી, પણ આશ્ચર્ય ને ચિન્તા બન્ને સાથે માલમ પડતાં હતાં. દૂરના મેદાનમાંથી શૌર્ય ચઢાવતો રાગ સાંભળી, ને વાજિંત્રનો સુંદર શબ્દ કાનમાં પડતો તે સાંભળી, શત્રુનું સૈન્ય રસભર્યું થાય તે પહેલાં પોતે જ તૈયાર થયા હતા પાછળનું શહેરી અરબ લશકર આ વેળા જણાતું નહોતું.

વચોવચ રેતીના ઢગલાનો ડુંગર હોવાથી સામી બાજુનું સૈન્ય બરાબર જણાતું નહિ ને તેથી ગણત્રી પણ કરી શક્યા નહિ. તાનાજી માલુસરેએ કહ્યું કે, “જનાબની ઇચ્છા હોય તો રેતીની ટેકરીપર ચઢી; લશ્કર કેટલું છે તે જોઉં ? મને તો લાગે છે પૃથ્વીનાથ, કે સામું માણસ પાંચસોથી વધારે નહિ હોય. માત્ર વાજાંવાળા ને પડઘમવાળા જ આટલો ઘોંઘાટ કરી રમખાણ મચાવી મૂકે છે, હું ચઢું ખુદાવિંદ !”

“નહિ, નહિ! એથી તો આપણી સેનામાં શક વધશે ને ધીરજ ખોશે તો અનર્થ થશે."

ધીમે ધીમે મરેઠી લશ્કર ટેકરીની નજીક જઈને ઉભું રહ્યું. આ એક બચાવની ઘણી સારી જગ્યા મરેઠાઓને હાથ લાગી.