પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
બેવડો હુમલો-મણીનું પડવું-શિવાજીનું પાછું હટવું

ને પ્રથમ તો લશ્કરની ઘણી અવ્યવસ્થા થઈ, તેથી કોઇ પણ રીતિની ધારણા પાર પડી નહિ. મરેઠાએાએ પ્રથમ એવી જ ગણત્રી કરેલી હતી કે, જતાં સાથે જ શહેરી લશ્કરને ઉંઘમાં ઘાસ પેઠે કાપી નાંખીશું. પણ તેમની ધારણા વ્યર્થ જવાથી હવે તેમને વધારે સોસવું પડ્યું; કેમકે બે બાજુના હલ્લાથી તેમને નીકળવાનો આરો નહોતો. શિવાજીએ ખૂબ જોશમાં આવી લશ્કરમાં ઝંપલાવ્યું અને તેની સામા નવરોઝ થયો. માલુસરે તો મોતી ને મણી તરફ વધીને તેમને પોતાની સામા તરવારનો સ્વાદ ચખાડવા ગયો. નવાબની રીતિ એક બુદ્ધિમાન સરદારના જેવી હતી, તેથી તે સધળે બરાબર વ્યવસ્થા રાખતો હતો ને સૌને પોકાર કરીને ખૂબ શૂર ચઢાવતો હતો. તેણે સમયસૂચકતા ને ડહાપણ એવી તે સરસ રીતે વાપર્યાં કે સૌ કોઈ ચકિત થતું હતું.

દેખાવ હવે બદલાઈ ગયો હતો, ને ઘણો ભયંકર લાગતો હતો. જોસભેર લડાઈચાલીને મરેઠાઓનાં માણસો અવ્યવસ્થાને લીધે ટપોટપ પડવા લાગ્યાં. હરિપ્રસાદ વચોવચ આવ્યો ને તેને જોતાં જ આ જ કપટી ને કાવત્રાંખેાર છે, એમ ધારીને વીરનારી મણી તેની સામા ધસીને પોતાના હાથમાનો ભાલો તેના ઘોડાને ભોંક્યો, પણ તેટલામાં હરિપ્રસાદે તરવારથી તેના ઘોડાને સખ્ત ઝટકો મારી કાપી નાંખ્યો, ને એને લેવાને ઘોડાપરથી કૂદી પડ્યો, ને જેવો ધસીને એની સામા જાય છે તેવો જ સુરલાલે આવીને તેના માથાપર ઘા કીધો ને તે પડ્યો. આ દેશદ્રોહી નાગર બચ્ચાને તેના કર્મ પ્રમાણે વાસ્તવિક શિક્ષા થઇ. જો તેણે શિવાજીને મદદ ન કીધી હોત તો આટલે સૂધી સુરતની ખરાબ દશા થાત નહિ. માલુસરે ને મોતી બેગમ સામસામાં સમશેર ધૂમાવતાં હતાં, પણ આ સ્ત્રીની ચતુરાઈ જોઇને તે દંગ થઇ ગયો હતો, ને તેટલામાં તેની આસપાસ પુષ્કળ મુસલમાન પઠાણો વીંટળાઈ ગયા તેથી તે પાછો હટ્યો. તેટલામાં પાછું ફરી જોતાં દૂર તેણે મણીને જોઇ ને તેને પોતાના ઘોડાપર લાવીને બેસાડવાના હેતુથી લોખંડની દીવાલ જેવી મજબુત