પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
શિવાજીની સુરતની લુટ

મરવું તો સૌને છે વહેલે કે મોડે, પણ આવી કીર્તિથી મરવું એમાં થોડી શોભા નથી. હવે તમે શોક તજી દો ને તમારી તરફ આ નગરના લોકોનો કેટલો ભાવ છે તે જુઓ અને તેઓ જે તમારા રિવાજ પ્રમાણે દિલાસો દેવા આવ્યા છે તેમને રજા દો.”

“બેગમ સાહેબા, એ બધું ખરું છે, પણ તેનાં પ્રિય વચનો, તેની મારા તરફની અથાગ પ્રીતિ અને પરાક્રમ, એ સૌ મને હવે કંઈ સુખ દેવાનાં છે ? એના જેવી સદ્દગુણી સ્ત્રી તો આ ભવે હું નથી જ દેખવાનો ! મને હવે ગમે તેટલો દિલાસો દો, કે ગમે તેટલી આબરુ મળો, પણ મારો સંસાર તો બગડ્યો જ. બેગમ સાહેબા ! મારી મણીને બચવાનો એક પણ આરો નહોતો, ને જો કે તેણે મરતી વખતે પણ પોતાની ધીરજ છોડી નથી, તે પણ હવે એ તો ગઈ, હરિ હરિ !”

“આહ ! આ તમે ઘણી નબળાઈ બતાવો છો !” મોતીએ ઘણી ઘાડી છાતીથી કહ્યું, જો કે તેનું મન તે વાત કરતી વેળાએ રડ્યા જ કરતું હતું, પણ જો તે પણ ધીરજ મૂકીદે તો ધારેલું કામ થાય નહિ; તેથી મણીના કોમળ પતિને રીઝવવા પોતે દુઃખ વિસરી ગઈ. “પેલા પાપી ચંડાળનો ઘાણ કાઢતાં ને મેાટી આબરુ મેળવતાં તેનું મરણ થયું, પણ એ તો અમર થઈ છે. તેના જેવું પરાક્રમ આજના રણસંગ્રામમાં કોઈએ બતાવ્યું નથી. આજની સઘળી શાબાશી તેને છે. હવે તમે શોક મૂકી દો, અને નવાબ સાહેબ તમને બોલાવે છે માટે ચાલો. મારા ખાવિન્દ આપની હજૂર આવત, પણ તે આવે તેના કરતાં પોતાની પ્રિયાને, તમને દિલાસો દેવા મોકલી છે, એ જ તેમનો તમારા પ્રત્યેને પ્યાર બતાવે છે. રડવાથી ને યાદ કરવાથી શું થનાર છે? તે પાછી આવનાર છે ? મારી પ્રિય બહેનનું તમે હવે મોં જોવાના હતા? તમારે હાથે બાળીને ખાખ કરી આવ્યા છો, તો હવે તે ક્યાંથી આવનાર હતી ? મારા લાલ, પ્રિય ભાઈ, હવે તમે સઘળો શોક તજી દો, ને આંસુ લૂછી નાંખી સૌને તમારું મોં બતાવો; તમારા તરફ સૌને કેટલો પ્યાર છે તે જુઓ.” આમ કહીને તે જ્યાં