પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
શિવાજીની સુરતની લૂટ

અડધો અડધો મૈલ સુધી ગીર્દી મચી રહી હતી. લોકોનાં ટોળે ટોળાં આ જોવાને ત્યાં હાજર થયાં હતાં. નવાબ ઘણો લોકપ્રિય હોવાથી તેનાપર પણ લોકો વારી જતા હતા; તેમાં શહેરના એક સંભાવિત ગૃહસ્થની સ્ત્રીએ આજે શિવાજીને નસાડ્યો,એ બનાવ જાણી વળી ઘણું આશ્ચર્ય પામતા હતા.

એક કલાકમાં દરબારની ગોઠવણ થઈ રહી. નવાબ ઉંચા આસનપર બેઠો ને તેની એક બાજુએ સ્ત્રીઓને પરદેપોશ બેસાડવામાં આવી ને એક બાજુએ અમીરો બીરાજ્યા. સઘળા લોકોની ઠઠ ભરાતાં સૌ જોવાને આતુર જણાયા. હવે કચડાકચડી ને પડાપડી થઈ રહી. થોડી વારે નવાબ અને તેના અમીરે સૌએ મોટે સ્વરે કાલના જય માટે પ્રભુની પ્રાર્થના કરી, ને સૌ તેમાં સામેલ થઈ ગયા. તે વેળાએ નગરમાં ધર્મની મારામારી ઘણી થોડી હતી, ને ઈશ્વર સૌનો એક છે એમ ઘણા ખરા માનતા હતા. જ્યારે માત્ર હરીફાઈ થતી ત્યારે જ મારામારી ને કાપાકાપી થતી હતી.

ગભરાટ સઘળો નરમ પડ્યો હતો ને હવે પ્રાર્થના પૂરી થઈ કે નવાબે આ રણપરાક્રમમાં જેમને ઘટતું હોય તેમને ઇનામ આપવાનો ઠરાવ બતાવ્યો. પહેલે તો નવરોઝે મણી શેઠાણીના પરાક્રમનો ઇતિહાસ કહી સંભળાવી તેના પતિનો દાવો મોખરે ધર્યો. આ પહેલાં ઈનામ માટે કોઈ પણ હરીફ હતો નહિ, ને ખુદ ખુદાવિંદ નવાબ પણ એ જ પ્રમાણે ધારતો હતો, એટલે કોઈથી વચ્ચે માથું મરાય તેવું નહિ હતું. લડાઈનો નિવેડો આવ્યા પછી ઈનામો વહેંચાય ત્યારે પહેલું ઈનામ મેળવવા માટે મોટી મારામારી થાય છે. જેને પહેલું ઈનામ મળે તે ઘણો ભાગ્યશાળી ગણાય. શિવાજીના પરાજયમાં તેવું ઈનામ માત્ર મણી શેઠાણી કે તેના વંશને જ ઘટિત હતું, ને તેવું ઇનામ મેળવવાને આ વાણિયા શેઠ શક્તિમાન થયા, એટલે નાગરિકો તો રાજી થાય એમાં નવાઇ જેવું થોડું જ હતું. કેમકે મુસલમાની રાજ્યમાં તેવા પ્રસંગ ઘણું કરીને ક્વચિત જ આવતા હતા, પણ આ વેળાએ એ દાવાદારનો હક સર્વ પ્રકારે યોગ્ય ગણીને માન્ય રાખ્યો, ને નવરોઝના કહેવાને સર્વ શુરવીર મુસલમાનોએ પણ ટેકો આપ્યો.