પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
બાદશાહી દરબાર


“નગરના ધણીપણાનો દાવો ધરાવનાર હરિલાલ સર્વ ઈનામને પાત્ર છે, ને તેઓ ચાહે તો પરગણું પોતાના સ્વપરાક્રમના બદલામાં માગી લે ! અમારા દરબાર તરફથી એ માટે ઠેઠ દિલ્લી દરબારને જણાવવામાં આવશે, ને ખુદ બાદશાહી ઈનામને લાયક એએા ગણાયા છે, માટે ત્યાંથી પણ ઈનામ મળશે. પણ અમે આજે અમારો રાજમુકુટ એમને ઇનાયત કરીએ છીએ.” એમ નવાબે મીઠી વાણીમાં જણાવ્યું.

ચારે પાસથી વાહવાહ બોલાઈ, નવાબની ઉદારતા વખણાઈ, અને પ્રજામાં હરિલાલભાઈ મોટા તરીકે હંમેશ માટે સ્થપાયા. બીજા દાવાદારોને તેમની યોગ્યતા પ્રમાણે ઈનામો આપ્યાં. રાજકોશમાંથી પુષ્કળ દ્રવ્ય વહેંચવામાં આવ્યું અને શિવાજીની લૂટમાંથી જે બાકી રહ્યું હતું, તેમાં કેટલુંક ઉમેરી સૌ નગરજનોને તેમનાં નાણાં આપવા જણાવી દરબાર ખલાસ થયો. લોકોને ઘણું નુકસાન થયું હતું, તથાપિ આ મોટા દિલના હાકેમના પ્રેમને લીધે તેઓ સઘળું દુઃખ વિસરી ગયા. શહેરમાં સૌ સ્થળે ઓચ્છવ થઈ રહ્યો હતો. હરિલાલે આ ઉત્તમ પ્રસંગે જે રાજસેવા બજાવી તેના બદલા તરીકે ઠેઠ દિલ્લી દરબારથી બાદશાહની સહી માહોર સાથ ત્રણ મહિના પછી એક ખલિતો આવ્યો, ને તેમાં એક લાખ ટકા દ્રવ્ય ઈનામ તરીકે, તથા આફતાબગીરી, મ્યાનો ને મશાલ સાથે એક પરગણું આપવાનું જણાવ્યું હતું. લોકોમાં આથી હરિલાલની ઘણી કીર્તિ વધી. આ મોટા કુળનાં શેઠની હિંમત, રાજધર્મ ને તેમની કાન્તાના મરણનો બદલો કનક અને કીર્તિમાં મળ્યો. તે ભેટ કેટલાંક વર્ષો સૂધી તેના વંશજો ભેાગવવાને ભાગ્યશાળી થયા.[૧]



  1. *રમા સંબંધી વાત આ પ્રકરણમાં લખવાની બાકી રહી છે; કેમકે તેનો આ વાર્તા સાથે ઘણો જ થોડો સંબંધ છે. રમા પછાડીથી સુરલાલપર મોહી પડી હતી, ને મોતી બેગમની ઇચ્છા પણ ખરી કે, સુર એની સાથે લગ્ન કરે તો ઠીક. સુરલાલને મોતી બેગમે ઘણો આગ્રહ કીધો, ને રમા ઘણી ખૂબસુરત, વળી પતિવ્રતા, ને પોતાને યોગ્ય વયની હોવાથી તેની સાથે લગ્ન કરવાનું વાજબી લાગ્યું. તે જ્ઞાતે બ્રાહ્મણ હોવાથી તેમનાં લગ્ન સમયે સઘળા બ્રાહ્મણેાએ ભાગ લીધો હતો, એમ કહેવાય છે.
સમાપ્ત