પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ
*************
કેટલીક ઐતિહાસિક માહિતી
(૧)

શિવાજીની સુરતની લૂટ સંબંધમાં ઐતિહાસિક પુરાવાઓ શા છે, તે વાંચનારની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે અત્રે રજુ કરવામાં આવે છે; ગ્રન્થકર્તાએ વાર્તાનો રસ ઝમાવવા માટે તેમાં શા શા ફેરફાર કર્યા છે તે આ ઉપરથી જણાશે.

સુરતનું ભૌગોલિક સ્થાન:- સુરત તાપી નદીને દક્ષિણ કીનારે આવેલું છે. તાપી નદી શહેરથી ૯ માઈલ દૂર ખંભાતના અખાતને મળે છે. તેનો પટ, સુરતના કીલ્લા આગળથી તે સામે પાર સુધી ૦ાા માઇલ છે. હાલમાં તેના ઉપર હોપ સાહેબની યાદગિરિમાં બાંધેલો પુલ છે.

સુરતને ફરતા બે કોટ હતા:- એક માંહેનો અને એક બહારનો. પહેલો, શહેરેપનાહ અને બીજો આલમપનાહને નામે ફારસીમાં લખાતો. શહેરેપનાહનો કોટ ઈ. સ. ૧૬૬૨ માં એટલે કે શિવાજીએ પહેલીવાર સુરત લુટ્યું તેની બે વર્ષ પહેલા, આ વાર્તાના નાયક ગ્યાસુદ્દીન રૂમીની હકુમતમાં બંધાયો હતો.[૧] એ બંધાવાની રજા લેવા જહાનબેગ તથા વીરજી વહોરા ઔરંગઝેબ બાદશાહ


  1. * શહેરેપનાહ - એટલે શહેરનો કચરો જ્યાં ઠરતો હોય તે જગા. એટલે ખાડી અને એ ખાડીને લગતો જે કોટ તે એ કોટ (માંહેનો).
    શિવાજીએ મોગલ રાજના તાબામાં મારફાડ અને લૂંટ ચલાવવા માંડેલી અને ચોરાસી વાવટાના બંદર તરીકે સુરત ખીલવા માંડેલું તેથી તેના રક્ષણની જરુર ઉભી થઈ હતી.તે માટે વીરજી વોરો અને જહાનબેગ કોટ બાંધવાની રજા લેવા દિલ્લી ગયા હતા, અને બાંધવાનો બંદોબસ્ત કરીને આવેલા.જે વખતે આ સુરતીઓ દિલ્લી ગયેલા ત્યારે શિવાજી દિલ્લીમાં સપડાયો હતો, અને તેણે વીરજી પાસે નાણાંની મદદ માગી હતી. વફાદાર વીરજીએ ના પાડી. તેથી શિવાજીએ તેને સુરત આવી લૂટવાની ધમકી આપી હતી, અને તે કિલ્લો બાંધી રહે તે પહેલા આવવાનું જણાવેલું.