પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
શિવાજીની સૂરતની લૂટ

છે તેના મોં આગળ કદી પણ જૂઠું બોલતો નથી. હું આ શહેરની સમીપે આજે જ આવું છું, જે તમે અાંખે જોયું છે. મને આ શહેર સંબંધી ઘણું જાણવાની અગત્ય છે અને તેમાં મારો કંઈ ખાસ હેતુ છે. આપના બોલવાપરથી મને માલમ પડે છે કે, આપને આ શહેરના હાકેમપર ઘણો ક્રોધ છે. તે કંઈ કારણસર હશે, અને તેનું વૈર લેવાને ઇચ્છો છો ? જો આપ આપના પવિત્ર બજરંગના કસમ લો, કે જે જાણીશ તેનો આડો ઉપયોગ કરીશ નહિ, તો આપને મારો હેતુ જણાવીશ. જો મારા કામમાં તમારી સામેલ થવાની ઇચ્છા હોય તો સામેલ થજો, અગર ઈચ્છા ન હોય તો કોઈને કંઈ બોલતા નહિ.”

“કમબખ્ત!” બાવાજી લગાર તરડાઈને બેાલ્યો. “હમકું તુમ કૈસા પીછાનતા ! હમેરા શિર જાવે તો કયા બડી ચીજ હૈ, લેકીન એ મુસે એક શબ્દ નીકાલનેકી કોન તાકત ધરાતા હૈ ! લડકા, તું ક્યા જાને હમ સંત લોગો કી બાત હમ કસમ લેકર કહેતે કે તેરી બાત ઐસી તૈસે હોવે, ઔર તુમ હમેરા શિર કાટનેકે બાસ્તે તત્પર હો, તદપિ હમ તેરી સામને કે દુસરે સામને એક શબ્દ પણ ન બોલુંગા. ચાહેસો કહો, ઓ ચાહેસો ના. તેરી મરજી ! હમ સંતલોક, હમકું ક્યા લેના દેના હૈ, બચ્ચા !”

બહિરજીની ખાત્રી થઈ તેથી, “મહારાજ ! ખંમા ખંમા !” એમ બેલી નમ્રતાથી વિનતિ કીધી. “ગરીબ સેવકપર આટલો ક્રોધ કરવો એ લાઝીમ નથી. વિઠોબાના ચરણના કસમ, મને તમારાપર જરાએ અવિશ્વાસ નથી. પણ મેં ઘણી વેળાએ સાંભળ્યું છે કે, ભોળપણથી કેટલીક વાતો બીજાને કહેવાથી ધણાં માઠાં પરિણામ થયાં છે. અને તેટલા જ માટે આ૫નો વિશ્વાસ મેળવવા કંઈક મેં વિચાર બતાવ્યો છે, તે આપ ક્ષમા કરશો.” અને પછી વધારે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવા માંડ્યું કે મહારાજના મોંપર કેવો રંગ થાય છે.