પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
બહિરજી અને બેરાગી

વિચાર આવ્યો કે બાવાજીએ મને ફસાવવાનો તો બેત રચ્યો નથી ! ને તે વિચારથી તે આકૃત્તિની પછાડી દોડ્યો, પણ તેની શી સ્થિતિ થઈ તે તો આપણે જોયું.

નાયકના પડતા સાથે બાવાજી તેને સંભાળવા આવ્યા. તેને ઉઠાડતાં ઘુંટણમાંથી લોહી વહેતું જોયું, પણ તેને શુકન ગણી કંઈ પણ આપત્તિ નથી, એમ માની બંને પાછા ફર્યા. બાવાજીએ કહ્યું કે, “કોઈ ભક્ત દર્શન માટે આવ્યો હશે તે બે જણને ધસ્યા આવતા દેખીને નાઠો હશે.” બહિરજીને એ કહેવું કંઈ વાજબી લાગ્યું નહિ.

પાછા બંને સ્વસ્થ થયા પછી બાવાજીએ કહ્યું: “મેં જાનતા હું કે તું તેરા નામ કરેગા, ઔર એ નવાબ એાર નાગરપર હમકું બહોત ખફગી હૈ, ઉસ સબબસે તુઝે જીતની ચઇયે ઇતની મદદ મેં દઉંગા. લેકીન એ સરતસે કે મેં જો ઘરમેં ઘુસકર ચાહે સો કરું, ઉસમે તેરા શિવાજીકા કોઈ માણસ હમકું વિક્ષેપ કરે નહિ.”

“હું તેને માટે પંઢરપુરવાળાના કસમ લઉં છું કે, તમને કોઈ અડચણ કરે નહિ;” બહિરજીએ મોટા ઉમંગથી કહ્યું, “એ બાબતમાં મારે ને તમારે જ વાતચિત થાય તેને માટે રામદાસ સ્વામી મારો જમાન છે, તમારે યાદ રાખવું કે, મેં જે કાર્ય કર્યું હોય, તે કોઈપણ એવા સરદાર કે સેનાદાર નથી કે ફેરવી શકે. જો તમે મને કદી ઠગેા નહિ, તો યાદ રાખજો કે, તમારી મુરાદમાં સર્વ રીતે ફતેહ પામશો. મારી પાસે એવી એવી યુક્તિ અને કાવાદાવા છે કે, જેથી ગમે તેવી આપત્તિમાં આવી પડીશું, તેમાંથી પણ બચાવ કરી શકીશું. સવાર પડતાં પહેલાં તો મને મારા દૂતો મળવા જોઈએ. તમારી જે ગોઠવણ હોય તે મને જણાવો અને પછી શહેરની તપાસ લઈએ.”

બાવાજીએ પોતાની ગોઠવણ બતાવવાનું સવારપર મુલતવી રાખી, બંને જણા સુઈ ગયા, અને દરમિયાન થોડેક સમયે બહિરજીને ઉઠી બહાર પણ ફરી આવ્યો, તે જ્યારે ઉંઘમાંથી સળવળી બાવાજીએ આસપાસ જોયું ત્યારે જાણ્યું.