પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
મોગરાનો બહાર

પેલી લખેલી ચિઠ્ઠી આપી, એમાં કેટલીક અગત્યની સૂચનાઓ હતી અને તે નવાબની બેગમપર લખી હતી. તે ચિઠ્ઠીનું ઉત્તર ઘણું જલદી એ જ જગાએ અથવા રાત્રિના શહેરમાં મળે તેમ સૂચવેલું હતું.

સંધ્યાકાળ થવાનો સમય આવ્યેા. શેઠાણી પોતાની ગાડી જોડાવીને શહેરમાં જવા તૈયાર થયાં. પણ તેટલામાં શેઠે નોતરેલા પરોણાઓ આવી પહોંચ્યા. તેમનાં બૈરાંઓએ આ અવિવેકને માટે ઠણકો કરી શેઠાણીને જતાં અટકાવ્યાં. શેઠાણી જાતે થોડાં ઘણાં શરમાળ હતાં, તેથી તેમના બોલવાને માન આપી પાછાં ફર્યાં, પણ તેમને કંઈ પણ ગોઠ્યું નહિ. આજની ઉજાણીને તેઓએ “મોગરાનો બહાર” એ નામ આપ્યું હતું અને જ્યારે મોગરાની ઘણી અછત, ત્યારે શેઠે મહામુશ્કેલીએ તેનો મોટો જથો ભેગો કીધો હતો, જેમાંથી દરેક સ્ત્રી માટે એક સુંદર વેણી ગુંથાવી હતી અને દરેક પુરુષ માટે તેમાંથી એકેક હાર ને છોગું બનાવ્યાં હતાં.

શેઠાણી બંગલામાં પાછાં ફર્યાં તેથી શેઠ આશ્ચર્ય પામ્યા, પણ સૌનો સરખો આગ્રહ ને સૌ એમ જ બોલવા લાગ્યા કે, “ના, નહિ જવાય; તમે જશો તો અમે પણ જતાં રહીશું. ઘરધણીયાણી વગર મીજબાની હોય નહિ. મોગરો પોતાનો બહાર આપે નહિ !” એવું એવું અડપલું જ્યારે શેઠે સાંભળ્યું, ત્યારે તેઓ પણ લાચાર થયા.

દરેક પરાણો આજે મોટા ઉમંગમાં હતો. સૌ બદનપર કીનખાબના કબજા અને ટોપી પહેરી ફક્કડ સહેલાણી લાલાજી બની આસપાસ ફરતા હતા. ચન્ની પૂરી ખીલી રહી હતી. તેમાં આસપાસ; બંગલીમાં દીવાની રોશનાઈ ખૂબ બહાર આપતી હતી. મોટા દીવાનખાનામાં ઘણો સુંદર ગલીચો બીછાવ્યો હતો અને તેની સુન્નેરી કોર ઝળકાટ મારી રહી હતી. ઝુમરો લટકતાં હતાં, તેને પણ સળગાવ્યાં હતાં. દરેક બારીની વચ્ચે એકેક મોટો જેપુરી ચિત્રનો તકતો હતો, જેમાં કેટલાંક શૃંગારનાં ને કેટલાંક રાજારાણીના જનાનાનાં ચિત્રો,