પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
શિવાજીની સુરતની લૂટ

તૈયાર થઈ. ગાડી તૈયાર હતી તેમાં બેઠી ને બેગમના મહેલ તરફ ગાડી ચલાવી.

આ, અકસ્માત્ એક ક્ષણમાં બનેલા બનાવથી, ૫રોણાઓ ઘણા વિચારમાં ને ગભરાટમાં પડ્યા. એ પેગામી શેનો? ચિઠ્ઠી શી ને બેગમને ત્યાં રાત્રિના દશ બજે જવાનું કારણ શું પડ્યું ? એને માટે દરેકના મોંમાંથી દશ દશ સવાલ નીકળ્યા, ને એકદમ સવાલનો એક જથો શેઠના આગળ ઉભો થઈ ગયો. આ બધાના સવાલનો જવાબ આપે તો પાર ન આવે; તેથી તેણે 'એક નન્નો સો દુ:ખને હણે' તેવી રીતે એક જ જવાબ આપ્યો કે “એ શી ગડબડ છે તે મને માલમ નથી: સૌ સવારે જણાશે.” સ્ત્રીઓએ તો અનેક તરંગ ઉઠાવી શેઠાણીને માટે બબડાટ ચાલુ કીધો કે, આમાં શેઠાણીની કંઈ ખંધાઈ છે. ઘેર જવાને મિષે આ તાલમેલ લગાવી દીધી છે. શેઠે કોઈને જવાબ ન આપ્યો તેનું કારણ એ જ કે, જે કારણસર શેઠાણી ગયાં તે કારણ ઘણું ખાનગી ને જોખમકારક હતું.

બેગમ મણિગવરીની રાહ જોઈને વારંવાર બારીએ ડોકીયાં કરતી હતી. જેમ જેમ વાર લાગે તેમ તેમ તેને વધારે ચિન્તા થાય, પણ એટલામાં મણિગવરીની ગાડી આવી પહોંચી. ખેાજાને અગાઉથી વરદી મળી હતી, એટલે તે દરવાજાપર આવીને શેઠાણીને બેગમના મહેલમાં લઈ ગયો. મણિને જોતાં તે ઘણી ખુશીમાં આવી ગઈ ને એક બહેનના કરતાં અધિક પ્યારથી તેને હાથ ધરી પોતાની પાસે બેસાડી, નવાબની સ્ત્રી છતાં બિલકુલ ગર્વ ન હતો, તેમ સૌપર ઘણો ચાહ રાખતી હતી. પેટે એક પણ ફરજંદ નહિ, તેથી જ માત્ર ઉદાસીનતા કવચિત્ કવચિત્ રહેતી હતી, તથાપિ નવાબે કોઈ પણ દિવસે એક પણ કડવો બોલ કહ્યો નથી, એ મોટી આશ્ચર્યની વાત છે, બેગમ સાહેબા જાતે અતિ નીખાલસ અને કુલીન હતી, પૂર્વે તો એની મા એક નાગર ગૃહસ્થની દીકરી હતી. પૂર્વ કાળથી નાગરો સ્વાર્થી પડેલા તેથી પોતાના કોઈ