પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
મણિગવરીનો યત્ન

જવા માંડે તેવા જ બંનેને પકડવાની પેરવી કરવી.” મોતી બેગમને એ સલાહ પસંદ પડી, પણ નવાબ સાહેબ જાતે ઓલિયાના પાચ્છા, તે એકદમ એ વાત કબુલ કરશે એમ ભાસ્યું નહિ; તેટલા સારૂ તેમને માટે શી પ્રયુક્તિ કરવી, તેના વિચારમાં પડ્યાં.

“આપણે એને સમજાવવાને કાંઈ પણ ગોઠવણ કરવી વિશેષ અગત્યની છે;” ભયથી ધ્રૂજતી મોતી બોલી.

“અને તે વળી બનતી ઉતાવળે કરવી જોઈયે, નહિ તો સર્વે શ્રમ ફોકટ જશે !” મણિએ જણાવ્યું.

“બેશક, બેશક !” પોતાના કોચ પર એકદમ ઢળી પડીને મોતીએ કહ્યું; અને મણિ એકદમ તેની પાસે જઈ બેઠી. “હવે નવાબને સુવાનો સમય થયો છે ને અત્યારે તેમને કહેવાનું બનશે કેમ ? અને જો આ સમય ગયો તો તે પ્રપંચી વીરો એકદમ શહેરની ખાનાખરાબી કરશે જ. મારે એ માટે હમણાં જ જવું જોઈયે.” સૂતાં સૂતાં મોતી સ્વતઃ બડબડી ગઈ.

“પ્રભુ ઇચ્છા બળવાન્ છે !” મણિએ કહ્યું. “ લો, આ નવાબ સાહેબ જ અહીંઆ પધારે છે, હવે તમારે કહેવું ને સમજાવવું હોય તે મારે માથે મૂકો. હું એનો ઘટતો ઈલાજ કરીશ. મારી વાણીથી હું તેમને રંજિત કરીશ અને કાલે પ્રાત:કાળે પોતાના દૂતોને એ દૂતોની પૂઠે પ્રેરે, એવી યુક્તિ બતલાવીશ.”

તુરત જનાનખાનાનું બારણું ઉઘડ્યું. ગમે તેવી પણ વાણિયાની દીકરી ને લજ્જાશીળ તેથી મણિ સંકેાચતાને પામી સ્હોડામાં હાથ ઘાલી, નીચું મ્હોં કરી, બેગમ સાહેબા પાસેથી ઉઠી જઈ, બાજુમાં ઉભી રહી, મોતી બેગમની પૂંઠે મ્હોં ઢાંક્યું, એટલે નવાબ તેને જોઈ શકયો નહિ, અતિ પ્રેમના આવેશમાં એકદમ ધસ્યો નવાબ કોચની નજીક આવ્યો. તેની આકૃતિ ખરેખરી પહેલવાની નહતી. તે જેટલો બહારથી સીનેદાર દેખાતો, તેવો મનમાંથી પોચો હતો. માત્ર શિકાર