પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૮


પ્રકરણ ૭ મું
ઘેરો

પાંચમી જાનેવારીની સમીસાંજના સાડા પાંચ થયા હતા. બાદશાહી મહેલોમાં દીવા સળગ્યા હતા. દિવાનખાનામાં ગ્યાસુદ્દીન રૂમી હંમેશના પોતાના ઠાઠમાઠ કરતાં વધારે માણસોનો જમાવ કરી, એક મોટી ખુરસીપર બિરાજ્યો હતો. ડાબી બાજુએ મોતી બેગમ કંઈક દિલગીરી ભરેલે ચહેરે બેઠી હતી. આસરે એક ડજન મેજબાનો ટેબલ પર મૂકેલી હુક્કાની ગુડગુડી ખેંચતા હતા ને ગ્યાસુદ્દીનનાં વખાણપર વખાણ બોલતા હતા. બે બહાદુર જમાદારો નવાબની બંને બાજુએ નાગી તરવારે ઉભેલા હતા. કંઈ ખુશ નીશો કરવાનું પેય (પીવાનો પદાર્થ) ખોજાએ ટેબલ પર લાવીને મૂક્યું. દરેકના ગ્લાસમાં આ લાલ રંગની કેફી વસ્તુ રેડવામાં આવી. દરેક જણ તે મેટા ઉમંગથી ઊઠાવી નવાબની સલામતી ચાહી પી ગયો, માત્ર બેગમ ને તેની લોંડી વગર બીજા સર્વેએ તેમાં ભાગ લીધો. મોતી બેગમે જમણી બાજુએ બેઠેલા નવાબના વજીર તરફ નજર કીધી. તેના મોતીયા જ મરી ગયા ! તેણે જાણ્યું કે, મારા ઉપર કંઈ કરડી નજર છે, પણ મોતીની નજર તો માત્ર સહજ જ હતી; તથાપિ જે ચોર હોય તે સૌને ચોર દેખે છે ! વજીર જાતે ખંધો અને સૌને પીડાકારી હતો તે બેગમ જાણતી હતી. ઘણીવાર તે વિષે તેને સતાવ્યો હતો. તે સમે ભયથી વજીર ધ્રૂજ્યો એટલું જ નહિ, પણ એ કરતાંએ વધારે પાપ આ કમજાત માણસના દિલમાં ભરેલું હતું તેથી ધ્રૂજ્યો. ઘણા ઘણા પ્રકારના તે કાવાદાવા કરતો અને અનેક સ્ત્રીઓની નીતિ ભ્રષ્ટ કરવામાં ને લાજ લૂંટવામાં મહા અઘોર પાપી બન્યો હતો. તે બેગમ સાથે કંઈ બોલવા જાય છે, તેટલામાં તો બે માણસો દિવાનખાનામાં ધસ્યા આવ્યા. વજીરને નીચા નમી સલામ કરી તેના કાનમાં કંઈ કહી, પાછા વળતી સલામ કરી ચાલ્યા. મોતીને કંઈક શક પડ્યો ખરો, પણ તેણે તે ચહેરાપર બતાવ્યો