પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
શિવાજીની સુરતની લૂટ

કહ્યું. ઘણા દૃઢ ને પાકા વિચારવાળો, તે દરબારમંડળમાં પહેલો સલાહકાર હતો.

તુરત જ નાગર દિવાન પોતાની ખુરસી લગાર પછાડી હતી તેને અગાડી લાવ્યો, ને ટેબલ પર હાથ મૂકી બોલ્યો, “આપણા હાથમાં ઉપાય શું છે ?”

“આપણી તરવાર એ જ આપણો ઉપાય, તમારે તોષાખાનાવાળાને નાણાં આપવાની વરદી આપવી. અમે અમારું કામ સારી રીતે સમજિયે છિયે.” સેનાધિપતિએ જવાબ દીધો.

“તોષાખાનામાં પૈસા જ ક્યાં છે ? ત્રણ ત્રણ મહિનાના સીપાહીઓના પગાર ચઢી ગયા છે, તેઓ તેથી બૂમ પાડે છે;” કરડાકીમાં તોષાખાનાનો ઉપરી બોલ્યો.

“જ્યાં સુધી નવાબ પોતાનો ખરચ ખુંટણ ઓછો કરે નહિ, ત્યાં સુધી ને મારાં ધીરેલાં નાણાં મને આપવાને માટે પાકી જામીનગીરી મળે નહિ, ત્યાં સુધી હું હવે એક પૈ પણ ધીરનારો નથી;” એક નાગર સાહુકારે ટચકો માર્‌યો.

“અાપણા લશ્કરની હાલત કોઈ પણ રીતે સારી નથી. પઠાણ ને આરબ સીપાહીઓ નારાજ થયલા છે, તેથી આવે સમયે કોઈ પોતાનો જાન આપવાને તૈયાર થશે નહિ. મારો વિચાર તો એવો છે કે, જેમ બને તેમ આપણે આપણું પોતાનું રક્ષણ કરી, શહેરને તેના પોતાના નસીબપર છોડી દેવું. શિવાજી જે કરવાનો હશે તે કરશે, લોકો પોતાનું રક્ષણ જાતે કરી શકે તો કરે, નહિતર આપણે શું કરી શકીશું?” એક નાગર અધિકારીએ પોતાનો વિચાર આપ્યો.

“ચૂપ ! મૂર્ખ !” પહેલા સલાહકારે ગુસ્સાના આવેશમાં તેને ધિક્કારી કહાડ્યો. “તું ચંડાળ છે ! રાજદ્રોહી છે ! તારો વિશ્વાસ કેવો ? હું તને હમણાં તારા રાજદ્રોહીપણાનું-”

અકસ્માત્ બારણું ઉઘડ્યું ને બે માણસો એકદમ ધસ્યા આવ્યા.