પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
ઘેરો

એક બેગમ સાહેબા પાસે ગયો ને બીજો બીજા સલાહકાર પાસે ગયો. બંનોએ જતાં વારને ઉતાવળા ઉતાવળા મુંગે મોડે તેમના હાથમાં ચિઠ્ઠીઓ આપી દીધી, આ બંનો જાસુસો ઘણા જ હાંફતા હાંફતા આવેલા હતા, તેથી એમ લાગતું હતું કે, આ ચિઠ્ઠી ઘણી અગત્યની હશે, હતું પણ તેમ જ. અહીંઆં આ રાજમંડળીને હાલ બેસાડી મૂકી આપણે એ શું હતું તે તપાસીએ.


* * * * *

પાછલા પ્રકરણમાં બહિરજી અને બેરાગીને સુરત છોડીને કલ્યાણી તરફ જતા આપણે જોયા હતા. શિવાજીને તેઓ જઈ મળ્યા ને ત્યાં નગરની સંપત્તિની દિલ લલચાવે તેવી વાર્તા કહી; ને તેમાં હરપ્રસાદ બેરાગીના આશ્રયની વાત કહી, તેમ તેની સાથે જે સરત કરવામાં આવી હતી, તે વાત પણ કહી સંભળાવી. શિવાજી ઘણો ખુશી થઈ ગયો ને હરપ્રસાદને પોતાના તનનો સાથી કીધો, ઉત્તરાયણ પહેલાં ચઢાઈ કરવાનો ઈરાદો રાખીને, શિવાજીએ ૪૦૦૦ સરસ ધોડેસ્વારને લઈને નિકળવાનો ઠરાવ કીધો. તેટલામાં બેરાગીના કહેવા ઉપરથી શિવાજીએ જાતે વજીર ગજનાફરખાનજીને તથા દિવાન નવનીતલાલને પત્રો મોકલ્યા. તેમાં વજીરને જણાવ્યું હતું કે; “જો તમે આશ્રય આપશો તો ગ્યાસુદ્દીન રૂમીને મારીને તમને રાજગાદી સોંપવામાં આવશે, એ ઉપકારના બદલામાં ઘાસદાણા પેટે દર વર્ષે તમારે ત્રીશ લાખ રૂપિયા આપવા.” એવી જ મતલબનો પત્ર દિવાનપર પણ લખ્યો હતો, વજીર ને દિવાન બંને લોભના માર્યા આંધળાભીંત બની ગયા હતા. નગરને માથે જે મોટું સંકટ છે, તે વિચાર મનમાંથી કહાડી નાંખીને, પોતાનો સ્વાર્થ સાધવો જ કલ્યાણકારી માન્યો - જાણ્યો. સ્વાર્થ જાતે જ અંધો છે. તે, પોતાને મનગમતી ચીજ મેળવવા માટે કેવાં કાળાં ધોળાં કરે છે, કેવા પ્રકારે દેશદ્રોહી બને છે, તે જોવાને તે શક્તિમંત નથી. સ્વાર્થી માણસ નિમકહરામ થતાં વિલંબ લગાડતો નથી. સ્વાર્થીઓ હમેશાં જ બુદ્ધિને કોરણે મૂકી દે છે, તેને ધર્મનો ઢોંગ