પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
શિવાજીની સૂરતની લૂટ

વાત ન કહાડતો, માત્ર મારી પોતાની ખાતર જ - રે કોઈ બીજા ખાતર નહિ, તોપણ મારી તરફના પ્રેમને ખાતર જ - તારે એ વાત મનમાંથી કહાડી નાંખવી; ને એક બહેન ભાઈને ને એક ભાઈ બહેનને જેટલા ને જેવા પ્રેમથી જોય તેવા પ્રેમથી વર્તજે.” અંતે એ જ પ્રમાણે થયું. બક્ષી કોઈ દિવસે પોતાની દીકરી આવા માણસને આપે એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવું હતું. એ દિવસથી સુરલાલ હમેશાં દિલગીર રહેતો ને થોડોક કાળ તો મોતીને મળતો પણ નહિ; તથાપિ મોતીના આગ્રહથી - વચનથી બંધાયલો હતો, માટે સમયે સમયે તેને મળવા જતો હતો. મોતીને એનાપર અપૂર્વ પ્રેમ હતો, જો કે તે સ્વચ્છ અને બંધુત્વ દર્શાવનારે પ્રેમ હતો !

આજે સુરલાલને તેડાવ્યો, તેથી તે આવ્યો હતો, તે મોતીને મળીને પાછો ઘેર ગયો ને સઘળા પત્રવ્યવહાર વાંચી જોયો. તેમાં દિવાનનાં કાવતરાં ઘણાં અઘોર માલમ પડ્યાં.

* * * *

રાતના આઠ વાગ્યા ને જેલનાં બારણાં ઉઘડ્યાં. અંધારામાં બે કેદી નિરાશ થયલા લાંબા છટ થઈને પડ્યા હતા. કેટલીકવાર એમ બને છે કે, દુઃખમાં નિદ્રા ઘણી આવે છે. અણધાર્યું બેહદ દુઃખ આવ્યા પછી માણસ એક રીતે નચિંત થઈ જાય છે. “ભે થા સે ડાલ દિયા” એમ સમજીને તે ઉદાસીમાં મનનો ભાર ઉતારવાને, કોઈ પણ પ્રકારની દુનિયાની દરકાર વગર ઘસઘસાટ, તે દુઃખી મનુષ્ય નિદ્રા લે છે. બંને જાસૂસોની પાસે સુરલાલ ગયો ને દરવાજાપર બે માણસો બેસાડ્યાં. બંનેને ઊઠાડીને તેણે જે સર્વ વૃત્તાંત જાણ્યો, તે આપણે ઉપર વાંચી ગયા છીએ, તેને વિશેષ ખાત્રી એટલી જ મળી કે, દિવાન આ કાવતરાંમાં અસલથી જ સામેલ છે અને તે સવારના શિવાજીને શરણે જઈને શહેર તેને તાબે કરવાનો છે.

આ ખબર સાંભળીને સુરલાલ ઘણો જ ગભરાયો અને તેણે