પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
શિવાજીની સુરતની લૂટ

બહાર જવા પામતો નહતો. એક મોટા ઓરડામાં વલંદાની કોઠીનો ઉપરી અને બીજા માણસો બહુ છુપી રીતે વાતો ચલાવતા હતા. તેઓમાંના કેટલાક હિન્દુ અને કેટલાક મુસલમાન હતા, પણ તે સંધા શહેરના જ રહેવાસી હતા. શિવાજીને જેર કરવો અથવા ભગાડવો કેમ, એપર વિચાર કરવાને આ મંડળ મળ્યું હતું.

વલંદાની કોઠીનો ઉપરી એક ઘણો લાયક ને મર્દ જવાન આદમી હતો. જો શિવાજી લુટ ચલાવતો ચલાવતો કદી ત્યાં પેઠો, તો સત્યાનાશ વાળશે એવો તેને ભય હતો; પોતે વળી શુરો હતો; વય તો માત્ર ૩૫ વર્ષનું હતું; પણ વેપાર કરવામાં બહુ નિડર ને કુનેહબાજ હતો. તેણે શહેરના બળિયાઓમાંના કેટલાકને તેડાવી મંગાવ્યા. તેઓ છૂપે રસ્તે જુદા જુદા પહેરવેશમાં ઘણા જલદી હાજર થયા. આ શૂરા વલંદાનું નામ જોન્સ હતું.

જ્યારે ઘણા માણસો આવી ચૂકયા, ત્યારે જોન્સ બેાલ્યો; “શિવાજીને કહાડવાને તેની સામા થઈ મરવા જવાને કોઈ તૈયાર છે ?”

“જો કોઈ સરદાર તૈયાર હોય ને અમને દોરવવા તત્પર હોય તો અમે તૈયાર છીયે;” દશ વીશ અવાજ સામટા નીકળ્યા.

“આ વખતે જે શહેરનો બચાવ કરવાને તૈયાર થશે ને પાપી લુટારાથી લોકોનું રક્ષણ કરશે તે અમર નામ મૂકી જશે !” એક કણબી બોલી ઉઠ્યો, “શહેરમાં ત્રણ ત્રણ દિવસ થયા હડતાલ પડી છે, ખાવા પીવાનું કંઈ મળતું નથી. નવાબ તો બાયલો - પાવૈ - હીજડો છે. તે જનાનખાનામાં જઈને ભરાયો છે. સૌની મરજી હોય તો મારા બળપર હું તૈયાર છું. દાવપેચ કેમ કરવા ને પટા કેમ ખેલવા, તે હું જાણું છું; ડાબી બાજુએ દુશમનનું જોર હોય તો જમણે કેમ ઉતરવું ને જમણે જોર હોય તો પુઠનો ઘા કેમ કરવો, તે મને ખબર છે. આ દોઢસો કણબી પોતાના હાથમાં સોટા લઈને ઉભા છે. બીજા દોઢસો હોય, તો ત્રણસો મરણિયા, શિવાજીના ત્રણ હજારનો ઘાણ કહાડવા માટે પૂરતા છે. કોણ મરવા તૈયાર થાય છે ?”