પૃષ્ઠ:Shobhana.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮: શોભના
 

તેના મુખ ઉપર નિર્દોષતા છવાઈ રહેલી હતી. બન્નેમાંથી કોઈ કૉલેજ પહોંચતાં સુધી બોલ્યું નહિ. જોતજોતામાં કૉલેજ આવી અને ગાડી ઊભી રહી. ગાડીમાંથી ઉતરતાં શોભનાએ કહ્યું :

'હવે ફરીથી કાર લાવશો નહિ.'

'કેમ ? આપને ન ફાવી ?' ભાસ્કરે પૂછ્યું.

કાર ન ફાવી એમ તો કહી શકાય એવું ન હતું. આરામ આપવાની. સુખ આપવાની તેની શક્તિ અદ્ભુત હતી પરંતુ શોભના ક્યાં તેની માલિક હતી ? માલિકી વગરની મઝા ઝાકળ સરખી લાગે છે, અને પારકાની મહેરબાની જીવનને અળખામણું બનાવી દે છે. આ બન્ને મુશ્કેલીઓ શોભનાના શોખને મર્યાદિત બનાવી રહી હતી.

'એમ નહિ પણ...' શોભનાથી કશું કારણ આપી શકાયું નહિ. બહુ મળ્યા કરતા યુવકો પણ યુવતીઓને અણગમતા થઈ પડે છે. એ પણ કારણ હશે ? ભાસ્કર અણગમતો થઈ પડે એવો લાગ્યો નહિ. લોકોની આંખ આવી બાબતમાં બહુ ચપળ રહે છે એ બીક પણ કારણ હોય. શોભનાને કારણ સમજાયું નહિ. પુરુષવર્ગ વિરુદ્ધ એક પ્રકારની ફરિયાદ કરી રહેલી સ્ત્રીપ્રતિનિધિનું એ લધુત્વપીડિત માનસ તો ન હોય ?

'મારાથી કશી ભૂલ થઈ ગઈ ?' ભાસ્કરે દયા ઉપજાવતો વિવેક વાપર્યો. શોભનાને ખરેખર લાગ્યું કે સહાનુભૂતિ બતાવતા પુરુષને તેણે અન્યાય કર્યો છે. અન્યાય એને ગમ્યો નહિ.

'હું પછી કહીશ - પરીક્ષા થઈ જશે એટલે.'

'ત્યાં સુધી હું ન મળું, નહિ ?'

'હા.'

શોભના ઝડપથી કૉલેજમાં ચાલી ગઈ. કૉલેજનાં વ્યાખ્યાનોમાં આજે તેનું ધ્યાન રહ્યું નહિ. તેને પોતાનું વર્તન ખૂંચ્યા કરતું હતું. ભાસ્કરે ગાડી આપવામાં એવો શો ગુનો કર્યો હતો કે શોભનાએ તેને તરછોડ્યો ? મહાશિક્ષકો-પ્રોફેસરો-નાં વ્યાખ્યાન મોટે ભાગે રસરહિત જ હોય છે, અને શાળાના શિક્ષકોને તપાસણીની જે બીક હોય છે તે આ મહાશિક્ષકોને હોતી નથી. એટલે સારો પગાર મળવાથી શિક્ષકનું કાર્ય સુધરે છે એમ કહેનારને જૂઠા પાડવાની તજવીજ માટે જ જાણે તેમને રોકવામાં આવ્યા હોય એવા પ્રોફેસરો શિક્ષણ કરતાં સેનેટમાં વધારે ધ્યાન રાખે છે અને પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા કરતાં પરીક્ષામાં પોતે પરીક્ષક કેમ નિમાય તેની વધારે કાળજી રાખે છે. આ મહાશિક્ષકોનું તબિયતતંત્ર પણ એવું નાજુક