પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૧૯૯૬ મું


રૂપ તમારું રસિયાજી, નીરખતાં સુખદાઈ વહાલા;
ચિહ્ન તણો નહિ પાર વધારે, વા'લપ ઉરમાંહી વહાલા. ૧

ડાબા ખભાથી હેઠો, વાંસામાં છે મરમાળો વહાલા;
રોમ સહિત મોટો તિલ રૂડો, જોતાં રૂપાળો વહાલા. ૨

એ તિલથી હેઠો વાંસામાં, એક તિલ છે બીજો વહાલા;
તેને હેઠે જોયા જેવો, એક તિલ છે ત્રીજો વહાલા. ૩

કરોડની જમણી કોરે, ડોક થકી હેઠે વહાલા;
સુંદર એક તિલ જોયા જેવો, બે તસુ છેટે વહાલા. ૪

જમણી ખરપડી ઉપર નૌતમ, એક તિલ છે નાનો વહાલા;
પ્રીત કરીને રાખું મારા, મનમાંહી છાનો વહાલા. ૫

કરોડની જમણી કોરે, વાંસામાં સારા વહાલા;
ચાર તિલ છે જોયા જેવા, લાગે બહુ પ્યારા વહાલા. ૬

દાઢીથી હેઠે એક તિલ છે, અતિશે અનૂપ વહાલા;
દાઢી ઉપર કેશની રેખા, સુંદર સુખરૂપ વહાલા. ૭

મધુર અધર પર શોભે રૂડી, રોમ તણી રેખું વહાલા;
હસતું કમળ સરીખું મુખ, ઓરા આવો દેખું વહાલા. ૮

મુખમાંહે જમણી કોરની, હેઠલી જે દાઢ વહાલા;
તેમાં શ્યામ સુભગ ચિહ્ન એક, જોઉં રાખી ચાડ વહાલા. ૯

શ્યામ ચિહ્ન છે જોયા જેવું, જીભમાં સુખકારી વહાલા;
સુંદર વદન કમળ પર જાયે, પ્રેમાનંદ વારી વહાલા. ૧૦

પદ ૧૯૯૭ મું

હરિજનના છો જીવન મોહન, ભક્ત ચિંતામણિ વહાલા;
શી કહું શોભા સુંદરવરજી, અંગો અંગ તણી વહાલા.. ૧
જમણી કોરે કપોળમાં, નાસિકા પાસે વહાલા;
એક મોટો તિલ જોતાં સરવે, દુઃખ મારાં નાસે વહાલા.. ૨
એ તિલને પાસે એક નાનો, તિલ તેને જોઈએ વહાલા;
નેત્ર તણા ખૂણાથી હેઠો, તેમાં ચિત્ત પ્રોઈએ વહાલા.. ૩