“ના ના, હવે તો પ્રથમ વેણ દે, ત્યાર પછી જ ઉતરાય
એમ છે.”
“અરે ભલા આદમી, ચડ્યે ઘોડે કાંઈ વેણ લેવાતાં હશે ? કાંઈ વાત, કાંઈ વગત્ય !”
"વાત ને વગત્ય બધુંય પછી કાં તો નાથો ભગત કોલ આપે, ને કાં રજા આપે.”
“રજા તો ભાઈ, હેતુમિત્રને ય નથી મળતી, કે શત્રુને ય નથી મળતી. બેય એકવાર પોલે પાણે આવ્યા પછી ઠાલે હાથે પાછા વળતા નથી. આ લે, જા, વચન છે.”
ચાર પલ્લા ઝાટકીને ભગત ઉભા થયા અસવારનો હાથ ઝાલીને એણે તાળી દીધી. ઘોર અવાજે પોલા પાણાએ પણ જાણે એ કોલમાં સાક્ષી પૂરી. બાવડું ઝાલીને અસવારને હેઠો ઉતાર્યો. બેય જણા ભેટ્યા. ને પછી નાથાએ પૂછ્યું કે “કોણ તું ?”
“હું ચાંપરાજ વાળેા, ચરખાનો.”
“અરે ! તું પોતે જ ચાંપરાજ વાળો !”
ઘોડાને પાખર ઘૂઘરા સાવ સોનેરી સાજ
લાલ કસુંબલ લૂગડે ચરખાનો ચાંપરાજ.
“ઈ પોતે જ તું ? ગાયકવાડનો કાળ તું ? આવ ભા, આવ. પોલો પાણો આજ પોરસથી અરધી તસુ ફુલશે. ભાઈ ચાંપરાજ ! બોલ, તારે શું કહેવું છે ? આંહી સુધી શીદ આંટો ખાધો ?”
“નાથા ભગત ! અમરેલી ભાંગ્યાના કોડ પૂરા થયા નથી. એ પૂરા કરનાર તો તું એક જ દેખાછ. માટે તુંને તેડવા આવ્યો છું”.
“હાલ્ય. હમણાં જ નીકળીયે. એમાં શું ? મલકમાં મિત્રમિત્રની મોજું રહી જવાની છે. આ કાયાને તો ક્યાં અમરપટો લખી દીધો છે ? હાલ્ય, પણ બે દિ' આ પહાડની બાદશાહી તો માણી લે ચાંપરાજ વાળા ! બરડાના ઠાઠ વરે કે દુ જોવા આવીશ ?"