પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૨૫
 

છે. અને અમારી બીજે ક્યાંય ગોત કરશો મા. અમે અનલગઢમાં જ બેઠા છીએ.”

ફીટઝરાલ્ડે તાર છોડ્યા. રાણી સરકારની ભાલાવાળી લાન્યસર ટુકડી મગાવી: વાંકાનેર, રાજકોટ વગેરે રજવાડાની ફોજ પણ ઝગારા મારતી આવીઃ બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું : મોખરે ગોરો પોલિસ ઉપરી મકાઈ સાહેબ સેનાપતિ બની ચાલ્યો. આસમાન ધુંધળો બનવા લાગ્યો અને ઘોડાના ડાબાને દિશાઓ પડધા દેવા માંડી.

અનલગઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહારવટીયા વાલાએ પાંચસો રૂપીઆની કિમ્મતનો સાચા લીલા કીનખાપનો વાવટો ચડાવી દીધો છે. શત્રુઓને લડાઈનાં નોતરાં દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે, અને બીજા બહારવટીયા મોટા પીરને લોબાનનો ધૂપ કરે છે. ડુંગરામાં સુગંધી ધુમાડાનો પવિત્ર મધમધાટ પથરાઈ ગયા છે. આઠ જણની એ નાનકડી ફોજને પીરના ધૂપની સુવાસ આવતાં તો રૂંવાડે રૂંવાડે મરવા મારવાની ધણેણાટી વછૂટવા લાગી છે.

આ બાજુથી બહારવટીયાનો નેજો ભાળતાં જ સેનાપતિએ પરબારો *ચાંચ !'[૧]નો હુકમ પોકાર્યો. “ચાંચ !” થાતાંની વાર જ ભાલાં ને કીરીચો ઉગામી અસવારોએ ઘોડાંને વહેતાં મેલી દીધાં. બે હજાર માણસોનો હલ્લો થાતાં તો એવું દેખાયું કે જાણે હમણાં ડુંગરો ખળભળી હાલશે.

ત્યાં તો સામેથી ધડ ! ધડ ! ધડ ! બંદૂકોની ધાણી છુટી.

સાઠ સાઠ બંદૂકો ભરીને બહારવટીયાએ તૈયાર રાખેલી છે. છ જણા ઉપાડી ઉપાડીને ભડાકા કરે છે, બાકીના છ જણા ખાલી પડેલી બંદૂકોને નવેસર ભરતા જાય છે. દારૂગોળાની ઠારમઠોર લાગી પડી છે. સીસાની ગલોલીઓનો સાચુકલો મે' વરસવા માંડયો છે.


  1. charge