પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૭૭
 

બાપો મારો ! મને કારાગૃહમાંથી ઉગાર્યો !” એવી બૂમાબુમ કરીને એ નટખટ કાઠીએ કચારી ગજાવી મૂકી.

“ઓહોહોહો ! ચાંપરાજ વાળા, તમે ક્યાંથી ?”

“મહારાજે મને છોડાવ્યો.” ચાંપરાજે લુચ્ચાઈ આદરી.

“હેં ! સાચેસાચ મેં તમને છોડાવ્યા ! શી રીતે ?”

“અરે વજા મહારાજ ! તારી તે શી વાત કરૂં ? જાણ્યે એમ થયું છે એક દિ' રાતમાં કનૈયાલાલનું રૂપ ધરીને આપ મારી જેલની ઓરડીમાં પધાર્યા, અને મારી બેડીઓ તોડી, મને દરવાજા ફટાક ઉઘાડા કરી દીધા. અને હું નીકળી આવ્યો. મહારાજ કનૈયાનો અવતાર છે, એમ સહુનું કહેવું મારે તો સાચું પડ્યું.” એમ કહીને, પોતાની જેલની મજુરીના જે રૂપીઆ બાકી રહ્યા હતા, તે મહારાજને માથેથી ઘોળ કરીને મહારાજના પગમાં ધરી દીધા.

“અરે રંગ ! રંગ કાઠીભાઈની કરામતને !” એમ રંગ દઈને ડાહ્યા રાજા વજેસંગજીએ ચાંપરાજની પીઠ થાબડી. ચાંપરાજ વાળાને મહામૂલના સરપાવની પહેરામણી કરીને પોતાના અસવારો સાથે ચરખા પહોંચતો કર્યો. અને ત્યાર પછી ચાંપરાજ વાળો, ઘર અાગળ પથારીમાં જ મરણ પામ્યો *[૧]


  1. *કેપ્ટન બેલ, પોતાના “ધ હીસ્ટરી એાફ કાઠીઆવાડ” નામના પુસ્તકમાં ફકત એટલો જ ઉલ્લેખ કરે છે કે,
    “ચાંપરાજ વાળો, કે જેણે ૫ંદ૨ નંબરના બોમ્બે ઈન્ફન્ટ્રીના એક અધિકારીને ગોળીથી ઠાર કર્યો હતો, તે ઈ. સ. ૧૮૩૭માં પકડાયો અને પોતાના દુષ્ટ કૃત્યોના બદલામાં જન્મ-ટીપ પામ્યો હતો. ચાંપરાજ વાળો નામીચો અફીણી હતો. જેલમાં પણ એને દવાના મોટા મોટા રગડા પાઇને જીવતો રાખવો પડ્યો હતો. દવાની અકકેક માત્રા છેવટે સીતર ગ્રેઈન સુધી પહોંચી ગઇ હતી. જ્યારે એ છૂટો હતો ત્યારે એને દરેક ટંકે કબુતરના અકકેક મોટા ઇંડા જેટલું અફીણ લેવું પડતું હતું.