પાંચ જ બહારવટીયાનાં આ વૃત્તાંતો છે. પાછળ એવા, ને એથી ચડિયાતા બીન ૫ંદર ચાલ્યા આવે છે. પાઠકો આટલી વિગતોને સારી પેઠે પચાવી લ્યે; ત્યાં સમગ્ર બહારવટા-યુગની મીમાંસા કરતો એક પ્રવેશક પણ રજુ થઈ જશે.
'રસધાર'માં જોગીદાસ ખુમાણ, સંઘજી કાવેઠીયો, અભો સોરઠીયો, હીપો ખુમાણ, વરજાંગ ધાધલ વગેરે: અને રા. રા. રાયચૂરા તરફથી ભીમો જત, ગીગલો મહીયો વગેરે: એમ છૂટક છૂટક બહારવટીયા આલેખાતા આવે છે. પરંતુ આમાં તો સાંગોપાંગ સંગ્રહની દૃષ્ટિ છે. તમામ બહારવટીયાની-અને એ પણ તેઓની કાળી-ઉજળી બન્ને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના-પ્રસંગોની, માત્ર પ્રશસ્તિની જ નહિ પણ સાથોસાથ નિદ્ય ચરિત્રદોષોની પણ રજૂઆત કરવાનો આશય છે. માટે જ 'રસધાર'ની રંગખીલાવટ 'બહારવટીયા'માં મર્યાદિત દેખાશે.
ભવિષ્યના કોઇ ઇતિહાસકારને માટે આ એક માર્ગદશન રચાય છે. રાજસત્તાઓનાં દફતરોમાં ફક્ત એકપક્ષી-ને તે પણ નજીવો જ ઇતિહાસ છે. લોકકંઠની પરંપરાના બહુરંગી ને છલોછલ ઇતિહાસ છે, પ્રજા માર ખાતી, લૂટાતી, પીડાતી, છતાં લૂંટનારાઓની જવાંમર્દી ન વિસરતી. એ હત્યારાઓની નેકી પર આફ્રિન હતી. બહારવટીયાની કતલ એને મન સ્વાભાવિક હતી, પણ આ કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દૃષ્ટિમાં જાદુ આંજતી. માટે પ્રજાએ એ મહત્તાની ચિરંજીવી મુખનોંધ રાખી લીધી.