પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૧૭
 

આય.” [હવે તો લધુભા ! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમારાં ખાતામાં ખૂબ કલમના ઘોદા માર્યા છે.]

"હણે કૂરો ?" લધુભાએ વાઘેરને પૂછ્યું,

“હણેં હલો. આંકે રણજી હુન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના. [ હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ. નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.]

વાઘેર લૂંટારો ખસીયાણો પડી ગયો. કોઈ કુટુંબી પૂછે તેવી રીતે પૂછ્યું, “લધુભા ! ભૂખ લગી આય.”

“તો ડીયું ખાવા. જોધો માણેકજો પરતાપ આય.” [તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે. ]

ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવીયો બન્યો. લધુભાનાં ત્રણે ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.

રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું ? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે 'દ્વારકાવાળા ખૂટી ગયા. પણ તમે ખૂટશો મા. કિલ્લો સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો.

સિપાહીઓ-પણ અમારે ખાવાનું શું કરવું ?

જેરામ-હું સગવડ કરી દઉં, મંદિરમાં વાંધો નથી.

વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો. અને આખી રાત કિલ્લા ઉપર કપાસીઆ તેલના દીવા માંડી એક આદમીને “ખબરદાર ! ખબરદાર !” એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો.