પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીસદાસ ખુમાણ
૨૯
 

અઢારસેં' ઉજ્જડ કરશે. માટે સાકર તો આજ વ્હેંચે એના દીકરા, કે સાવઝ પાંજરેથી મોકળા થયા !”

આખી કચારી સાંભળે એ રીતે આ શબ્દો બોલાયા !

“સાકર પહેરામણીના થાળ પાછા લઈ જાવ !”

એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાખી અને પોતે તે જ ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે ધોળું ફાળીયું બાંધી લીધુ.

ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે:

“મેરામ ખુમાણ, હવે શું કરૂં ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.”

“સાચુ મા'રાજ ! માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો. અને ભાણજોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો.”

ઠાકોર વજેસંગે કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું. ત્રણે પરજમાં મેલા લખ્યા, ભાણ જેગીદાસને તેડી લાવવા માટે મેરામ ખુમાણને મોકલ્યા.

નક્કી કરેલે દિવસે બેય બહારવટીયા ભાઈઓ ડુંગરમાંથી ઉતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ શીખામણ દઈ રહ્યો છે કે “ભાણ ! બાપ, તું આકળો થતો નહિ. તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે ભાઈ !”

કંડલાના દરબારગઢમાં આવ્યા, ત્યાં દાયરો ઉભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું “ક્યાં છે મહારાજ !”

“મા'રાજ તો નદીએ સરાવે છે.”

“મા'રાજ પોતે સરાવવા ગયા છે !”