પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૭૭
 

પાંદડેથી પાણી દંડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત્ત કરે છે.

મહારાજે ઈસારત કરી, એટલે સભામાં રંગરાગ મંડાયા. સારંગીને માથે સુંવાળી કામઠીંઓ અડી ને અંદરથી કૂણા કૂણા સૂર ઉઠ્યા. સાથે સ્ત્રીઓનાં ગળાં ગળવા માંડ્યાં. નરધાં ઉપર ઉસ્તાદની થાપી પડતાં તે રણણ ઝણણ ધૂધરા બોલ્યા અને કિન્નરકંઠી રામજણીઓનો મુજરો મંડાણો.

વજો મહારાજ ; કનયોલાલ : રસરાજનો જાણે અવતાર : અને મારૂ વંશનો મોજીલો બેટડો : જેવો સંગ્રામમાં તેવો જ રસભેાગમાં : વીણી વીણીને અમૂલખ વારાંગના તેડાવી હતી. કેમકે આજ તો અનુપમ ઉજવણું હતું : જોગીદાસનું બહારવટું પાર પડ્યું હતું. વારાંગનાનાં ગળાં ગહેકવા લાગ્યાં.

અને જોગીદાસે પીઠ દીધી ! આંખો અધમીંચી હતી, તે પૂરેપૂરી બીડી દીધી. બેરખો તો હાથમાં ચાલી જ રહ્યો છે.

વજો મહારાજ કાંઈ સમજ્યા નહિ. એણે જાણ્યું કે બહારવટીયો દિશા બદલવાની કાંઈક વિધિ કરતો હશે. નાચ સંગીત ખીલવા લાગ્યાં. કચારી જાણે ગણિકાઓના સર-સરોવરમાં તરવા ને પીગળવા લાગી.

ઓચીંતો જોગીદાસે ભેટમાંથી જમૈયો ખેંચ્યો. કચેરીમાં એ હથીઆરનો ચમકારો થયો, અને 'હાં હાં ! આપા !' કહીને મહારાજે જોગીદાસનું કાંડું ઝાલ્યું. જમૈયાની અણીને બહારવટીયાની આંખના પોપચાથી ઝાઝું છેટું નહોતું.

“આપા ભાઈ ! આ શું ?”

“કાંઈ નહિ બાપા ! આંખો ફોડું છું.”

"કાં ? ”

“એટલે તમે સહુ આ નાચમજરા નિરાંતે ચલાવો.“