પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોવર સંધવાણી
૧૬૭
 

દળી છોડી દીધી. ગાળો દેતો દેતો સરૈયો કહેતો ગયો કે “મોતી સાચાં છે. મોંઘાં કરીને વેચજે !”

X

ભોજવાવ અને વીરમગામ વચ્ચે એક જાન ચાલી જાય. એમાં મોવર આડો ફર્યો. ગાડાં ઉભાં રખાવ્યાં. ભેળો એક બ્રાહ્મણનો જુવાન છોકરો વોળાવીઓ હતો તે દોડીને બહારવટીયાની તથા વરના ગાડાની વચ્ચોવચ્ચ ઉભો. કહ્યું કે “મને મારીને પછી જાન લૂંટો.”

ખડખડાટ હસીને મેવરે ખભેથી બંદૂક ઉતારી.. “આ જોઈ છે ?” એમ કહી સામેના બાવળના થડ ઉપર ગોળી છોડી. બાવળનું લાકડું વીંધીને ગોળી ધ્રોપટ ગઈ. બહારવટીએ કહ્યું “જો મા'રાજ ! આટલી વાર લાગશે.”

જવાંમર્દ છોકરે વિના થડક્યે ફક્ત એટલું જ કહ્યું કે “હા, પણ મને મારીને પછી લૂટશો ને ? ખુશીથી.”

મોવર ખૂબ હસ્યો. એની દોંગી આંખોની ભમરો ભેળી થઇ ગઈ. બામણ જુવાનની પીઠ થાબડીને કહ્યું “રંગ છે જુવાન ! તારૂં વોળાવું સાચું. તને ન લૂંટાય.”

મોવર ચાલી નીકળ્યો.

X

વાગડ, કચ્છ અને સિંધ સુધી મોજીલા મોવરની રોઝડી પંથ ખેંચવા લાગી. આજે આ સીમાડે, તો કાલે કોણ જાણે ક્યા આધા પંથકમાં, એમ ઝબૂક ! ઝબૂક ! મોવર ઝળકવા માંડ્યો. એમ કરતાં એક દિવસ સોરસેડોના સોળ ગાઉ લાંબા રણમાં કચ્છ અને સીંધની વચ્ચે સાંજે એક સાંઢીઆની કતાર ચાલી જતી હતી તેની આડે મોવર ઉભો રહ્યો. કહ્યું “ઉભા રાખો સાંઢીયા. જડતી લેવી છે.” એ બોલની પછવાડે સાત આઠ બંદુકની નાળ્યો પણ લાંબી થઈ ગઈ હતી.