પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

પણ મળ્યા તેટલાના મુખબોલ ઝીલ્યા છે. તેમ છતાં કલ્પના ના સંભારથી આ કથાઓ છેક જ મુક્ત હોવાની ખોળાધારી કોઈથી ન જ લેવાય. ઐતિહાસિક સામગ્રીઓના સંપાદક તરીકેની ફરજ અદા કરવા જતા એકપણ કલ્પિત fictitious-પાત્ર ન ઉમેરવાની ચિવ્વટ રખાઈ છે. પરંતુ ઘટના વર્ણવવા જતાં સંપાદક લેાકેાક્ત વૃત્તાંતને ચાહે તેટલો વફાદાર રહ્યો હોય છતાં એમાં એ પોતે પોતાના મન પર પડેલા રંગોની મિલાવટ કર્યા વિના રહી શકતો નથી. ખુદ પાત્ર સાથે એને તદ્દવૃત્તિ સાધવી જ પડે છે. પાત્રની ઐતિહાસિક પ્રકૃતિ તેમજ અન્ય આછી ઘાટી રેખાઓ પામી ગયા પછી એ વર્ણનની વિગતો તો પેાતે જ ઘણે ઘણે ઠેકાણે પૂરી લે છે. પોતે કથારૂપે કહેવા જતાં કથાની ઐતિહાસિક મર્યાદાને માન આપતો હોય છે, અને છતાં ઐતિહાસિક વસ્તુનું કેવળ 'રીપોર્ટીંગ' કરવાનું પણ એને પાલવતું નથી. આ બધી સંકડામણ વચ્ચે ઇતિહાસ ઉપર થોડો ઘણો વરખ ચડ્યા વિના રહી ન જ શકે. મુખપરંપરાએ ચાલી આવતી ઘટનાને એ રીતે અનેક ક૯૫ના-પુટો ને ભાવના-પુટો ચડ્યા જ હોય છે. જેમ સમય લાંબો જાય, તેમ તેમ એ પોપડાના થર વધુ જાડા થતા જાય છે.

પરંતુ આપણી આ ઘટનાઓ હજુ બહુ જુનીપુરાણી નથી. એને હજુ કેટલાક નજરોનજરના સાક્ષીઓ હોવાનો લાભ છે. એનું આલેખન પણ નવલકથાની નવસર્જક શૈલીએ અને વિગત પાત્ર કે સ્થલનાં બંધનોથી મુક્ત બીનજવાબદારીની રીતે નથી થયું. તેટલી તેની વિશ્વસનીયતા વધે છે. દરેકેદરેક ઘટનાવાર, સંપાદકને કેટલું વસ્તુ મૂળ મળેલું, અને તેમાં પોતે કેટલો ઘાટ પોતાની કલમ વડે આપ્યો છે, એ બતાવવું અત્રે ટુંકી જગ્યામાં વિકટ બને છે. પણ સંપાદક પોતે ખાત્રી આપે છે કે પાત્ર તેમજ પ્રસંગને માત્ર proper perspective માં મૂકી શકાય, તેટલી શબ્દ-યોજના યોજ્યા સિવાય એણે લગારે છુટ પેાતાની કલ્પનાને લેવા દીધી નથી. અને તેથી જ 'બહારવટાં ' વિષેના આ તુલનાત્મક લેખમા એ ઘટનાઓની સાક્ષી ટાંકવાનું ઉચિત ધાર્યું છે.


અંગ્રેજો પર દાઝ

બહારવટીઆ માહેના ધણા ખરા, જેને અંગ્રેજ રાજસત્તા સાથે અથડાવું પડેલું છે, તેઓની મુરાદ હમેશાં ગોરા અમલદારો સાથે મુકાબલો કરવાની રહેતી. ગોરાને મ્હાત કરવામાં તેઓએ પોતાનું ગૌરવ માન્યું હતું : બાવાવાળાએ ગ્રાંટને ઝાલી ચાર મહિના રાખ્યો.