પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ તે કાળેય મનાતાં હશે. આજે એ જોડિયો બલિ સમાજના દાનવને ચડે છે, તે કાળે દેવદેવીને ચડતો. ટૂંકમાં, પછી માતાજીનાં બે પગલાં આ પુત્ર અને પુત્રવધૂનાં શોણિતે છંટાયાં, ને દેવી તૃપ્ત બનીને તે કાળથી હવે તળેટીમાં જ બિરાજેલ છે. દરિયા આડો કોયલા ડુંગરનો પડદો દેવાઈ ગયો છે એટલે હવે ખારવાઓનો જળમાર્ગ સલામત બનેલ છે.

આ હિસાબે પીરની બાપડાની રંજાડ છે કશીયે? ભેંસલાને માથે રાત રહેનારને અબુ પીર ભલે ફગાવી દ્યે છે, પણ એનું ફગાવવું એટલે માણસના ફોદેફોદા વેરી નાખવા જેવું નહિ. સવારે જાગ્રત થયેલો માણસ જુએ તો પોતે કોઇક સલામત ધરતીમાં નિરાંતે પડ્યો હોય!

ગ્રીક પુરાણકથા માંહેલો જળદેવ નીરિયસ ભાભો પણ એવો જ ભદ્રિક પીર છે. શાંતિમય સાગરજળનો એ અધિષ્ઠાતા પોતાની પચાસ નાની છોકરીઓનું જૂથ લઈને દરિયે ભમ્યા કરે છે અને શ્રદ્ધાળુ નાવિકોને રક્ષા આપે છે. સવાઈ પીરને વિષેય આવી જ આસ્થા છે.

પાંચેક વર્ષો પર મેં દ્વારિકાથી આરંભડાને યાત્રાપંથે થઈ બેટ શંખોદ્વારની મુસાફરી કરી હતી તે અત્યારે યાદ આવવાનું બીજું એક કારણ મળ્યું. આંહીં થોડાંક ઝાડ એવાં ઊભાં છે, કે જેની એક બાજુએથી ડાળપાંદડાંનું ઝુંડ જાણે કે સોરાઇ ગયું છે ને વધતું નથી, એટલે બીજી એક બાજુએ જ વધતી જતી ઘટા એવો ખ્યાલ કરાવે કે જાણે વૃક્ષ કોઇ અમુક દિશામાં નમી રહેલ છે. દ્વારિકાથી આરંભડા સુધીની સડક પરનાં તમામ વૃક્ષોની આ હાલત છે. બેટ શંખોદ્વારના પુરોહિતો આવા દૃશ્યનો ઉપયોગ ન કરે એ તો કેમ બને? તેઓએ યાત્રિકોને ઠસાવ્યું : દેખ્યું કે, ભાઇઓ! દ્વારિકાપુરીથી આ તમામ વૃક્ષો પણ બેટ પ્રત્યે જ અભિમુખ બની રહેલ છે, એ પણ યાત્રાળુઓ જ છે, ને જાણે કે બેટના કૃષ્ણધામને અહોરાત વંદના દઈ રહેલ છે. જુઓ તો ખરા, આ વનસ્પતિ જીવોનીય પ્રભુભક્તિ!

કાનમાં કહું? સમુદ્રનો ખારો વાયુ એ દિશામાં વાઈ વાઈને એક બાજુએ ઝાડની વૃદ્ધિ થવા દેતો નથી. તે જ આ 'વૃક્ષ-વંદના'નું વૈજ્ઞાનિક રહસ્ય છે.

પણ મને આશ્રર્ય જ એ થાય છે કે આ શિયાળબેટની અંદર પ્રાચીન ખંડેર. ચેલૈયાના અવશેષ, આટલી ફક્કડ પ્રતિમાઓ, આવાં વંદનશીલ વૃક્ષો, અને આવી વહેમભીરુ અજ્ઞાની વસ્તી વગેરે બધી વાતની અનુકૂળતા છતાં કેમ કોઇ પુરોહિત આંહીં યાત્રાધામ ઊભું કરવા પહોંચ્યો નથી? કોઇક દ્વારિકા, બેટ કે સોમનાથની માતબર પેઢીએ કેમ આંહીં પોતાની 'બ્રાન્ચ' નહિ નાખી દીધી હોય? હૈયાફૂટા ગોરખમઢીવાળા સાધુએ આવું કશું કરવાને બદલે નાહક દારૂ છોડાવવાની હિલચાલ કરી!

આવા, લગભગ જાતે જ આવીને આંહીં જાત્રાધામ સ્થાપવાના લલચામણા વિચારો