આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સ્વભાવે સેવેલું ઉર-વહન યત્ને બદલવું, નવા ધર્મો માટે સહજ વીસરી શૈશવ જવું; નહિ જાણેલું તે હૃદય થકી સાધી શકીશ શું ? વસેલું સ્વાતંત્ર્ય ઉર-હરિણ બાંધી શકીશું શું ?
થયું સૂનું મારૂં હૃદય, હસતી એ છવિ વિના, લૂંટાયેલો પેલો તુજ જનનીની શી કહું દશા ? બિચારાં આ બાળો પરવશ સમાં કેવળ રડે, ઠગારી સૃષ્ટિના કટુ નિયમ જાણી નવ શકે.
સુધાથી સિંચેલી અમ ગગનચંદા વડી ગઈ, હસાવીને થોડા દિન, રૂદન અંતે દઈ ગઈ; અતિથિની પેઠે મિત સમય સંગે રહી ગઈ, વિધિની દીધેલી, વિધિવશ અરેરે ! થઈ ગઈ !
હતું જાવું થોડા દિવસ વસવની ગૃહ વિષે, તથાપિ ના કીધું ઉરથી કંઈ અતિથ્ય કરીએ; લડાવ્યા પુત્રોને, સતત શણગાર્યા શઠપણે, અને કીધી તારા ઉર તણી ઉપેક્ષા પળ પળે.
અરે ! રાખી એાછી, પણ ન ઉર તે ઓછપ ગણી, અમારા ભેદોને હર ઘડી હસીને ગળી જતી; અનેરી ઈચ્છાએ દિનનિશ દબાવી દિલ તણી, હસીને, ખેલીને અમ હૃદય આનંદ ભરતી.