<poem>
જોતાં ખાલી ઉભય ઉરની આશને અંત આવ્યો, ને એ સાથે સહજ વહતા શ્વાસને અંત આવ્યો ! તાકી તાકી બહુ સમયથી વાટ જોઈ રહેલો, ઝુંટી બને હૃદય પળમાં કારમો કાળ ઉડ્યો.
આશા કેરી પ્રબળ રશના માતને હાથ તૂટી એની છાયા શિશુકશિરથી સાંભળી શબ્દ છૂટી ઉત્સંગોથી ત્યજી શિશુકજે એ ગઇ દૂર દેવી, ત્યારે ફાવ્યું મરણ સહજે સ્થાન ખાલી નિહાળી.
* * * * *
દેવી આશા ! અયિ ભગવતી ! પ્રાણીના પ્રાણ તું છે ! તારી સત્તા સકળ જગમાં વ્યાપ્ત સર્વત્ર ભારો; દૂરે તારો ક્ષિતિજ ઉપરે ભવ્ય આવાસ શોભે, ભાનુથી આ અતિ ભભકતા તેજથી એ પ્રકાશે.
એના દૈવી કનક-કળશો વ્યોમ-અંકે વસેલા, ને આકર્ષી મનુજગણથે રમ્યતાથી રહેલા; એમાં બેસી સતત સહુને સાદ સ્નેહે કરે તું, ને ઉત્સાહે અજબ કરતી ગાન મીઠા સ્વરે તું.
તારી પાસે વિકળ થઈ સૌ આવવાને તણાય, ઘેલાં જેવાં કમર કસીને દોડતાં જો ! જણાય ! ભાસે રસ્તો વિકટ પણ ના કોઈ એને ગણે છે, શ્વાસેાચ્છ્વાસે ભરિત સહસા સર્વદા સંચરે છે.