પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતી. તેમણે સંન્યાસીનાં ભગવાં લુગડાં પહેર્યા હતાં. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓમાં તેમનું વક્તૃત્વ અસ્ખલિત હતું. તેમની હાજરજવાબી આશ્ચર્યકારક હતી. જાણે કે જગદાત્મા સાથે પોતાનું તાદામ્ય સાધતા હોય તેમ તેઓ ગંભીર ભાવપૂર્વક, ખરા અંત:કરણથી અને ખુલે અવાજે શ્લોકો અને ગાયનો લલકારતા. ભારતવર્ષનાં અનેક સ્થળોએ પ્રવાસ કરીને તે આવ્યા હતા. તેમનું શરીર મજબુત અને આરોગ્ય હતું. અનુપમ હાસ્યથી તેમનું મુખ ભરપુર હતું. આવા એક અસામાન્ય સંન્યાસીને જોઈને આખું મદ્રાસ ખળભળી રહ્યું હતું. આ વેળાએ મદ્રાસમાં થિઓસોફી, તેના મહાત્માઓ અને તેમના ચમત્કારો વિષે મોટી ગરબડ ચાલી રહી હતી. સ્વામીજીને મહાત્માઓ અને તેમના ચમત્કારોની પાખંડી વાતો તરફ તિરસ્કાર હતો. જ્યારે મદ્રાસના લોકોએ જાણ્યું કે એ નવા આવેલા પદ્વીધર સંન્યાસી થીઓસોફીના મહાત્માઓનું અસ્તિત્વ સ્વીકારતા નથી ત્યારે લોકોનાં ટોળે ટોળાં તેમનાં દર્શન કરવાને જવા લાગ્યાં. સ્વામીજી વખતે મિજબાનીમાં પણ ભાગ લેતા અને વખતે હુક્કો પણ પીતા; છતાં તેમની વૈરાગ્યવૃત્તિ જોઈને અને તેમનું ઉત્કૃષ્ટ સદાચરણ નિહાળીને સર્વેના મનમાં તેમના વિષે વિલક્ષણ પૂજ્યભાવ ઉત્પન્ન થયો હતો. સંન્યાસી થઈને સ્વામીજી હુક્કો પીએ છે અને ઉત્તમ પકવાનો પણ ખાય છે, છતાં પણ તે પૂર્ણ વૈરાગ્યશીલ છે, એમ જોઇને સર્વે વિસ્મિત થતા. વૈરાગ્ય વિષે બોલતાં તે એટલા શુદ્ધ અંતઃકરણથી બોલતા કે તેમના શ્રોતાઓ ક્ષણભર વિરક્ત બની રહેતા. વિવાદમાં પણ તે તેટલાજ હુંશિયાર હતા. જ્યારે તે હાસ્યવિનોદ કરવા માંડતા ત્યારે શ્રોતાજનો હસી હસીને થાકી જતા. એક ક્ષણે તેમનો હાસ્યવિનોદ નજરે આવતો અને બીજી ક્ષણે તે ઘણીજ ગંભીરતાથી આત્મા અને પરમાત્મા વિષે ચર્ચા કરી અનુપમ જ્ઞાન