પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કેશવચંદ્ર સેનના જીવનમાં આટલો બધો એકાએક અને અગત્યનો ફેરફાર કઈ વ્યક્તિના પ્રભાવથી થઈ રહ્યો હતો તે જાણવાની પ્રોફેસરને પ્રથમ ઈચ્છા થઈ. એ જાણ્યા પછી તે શ્રીરામકૃષ્ણનું જીવન અને બોધવચનોના એક ચુસ્ત પ્રશંસક અને અભ્યાસી બની રહ્યા હતા.”

“મેં કહ્યું: ‘પ્રોફેસર સાહેબ ! હજારો મનુષ્યો આજે શ્રીરામકૃષ્ણને ભજી રહેલા છે ?’ તેમણે જવાબ આપ્યું કે “એમની પૂજા નહિ થાય તો પછી બીજા કોની થશે ?” પ્રોફેસર સ્નેહની મૂર્તિ હતા, મને અને મી. સ્ટર્ડીને જમવાનું આમંત્રણ તેમણે દીધું. ઓક્સફર્ડની કેટલીક કોલેજો અને બોડલીઅન લાઈબ્રેરી તેમણે મને બતાવી. સ્ટેશન સુધી તે અમને વળાવવાને આવ્યા. અને એટલું બધું એમણે કર્યું તેનું કારણ એજ હતું કે તે કહેતા કે “શ્રીરામકૃષ્ણ દેવના શિષ્યને મળવાનો પ્રસંગ કંઈ દરરોજ પ્રાપ્ત થતો નથી.” તેમની મુલાકાતથી ખરેખર મને નવુંજ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. પ્રોફેસરનું નાનું સુંદર ઘર, તેના આંગણામાંનો રમણીય બગીચો અને તેની અંદર નિવાસ કરતો શાંત, ગંભીર અને પ્રસન્ન મુખમુદ્રાવાળા વયોવૃદ્ધ મહર્ષિ મેક્સમુલર ! તેમની ઉમ્મર સિત્તેર વર્ષની હતી; છતાં પણ તેમનું ભવ્ય લલાટ એક બાળકના જેવું સ્વચ્છ હતું. તેના ઉપર એક પણ કરચલી દેખાતી નહોતી. તેના ઉપર જણાતી એકે એક રેખા તેમના આત્માના ઉંડાણમાં રહેલા આધ્યાત્મિક ખજાનાની સાક્ષી પુરી રહી હતી. તેમની સાથે માત્ર તેમનાં પત્નીજ હતાં અને તે પણ ઘણાં ઉમદા સ્વભાવનાં છે. હિંદના પ્રાચીન ઋષિઓના સિદ્ધાંતો તરફ પાશ્ચાત્યોનું મન દોરવાને ઘણા લાંબા વખતથી મેક્સમુલર પ્રયાસ કરી રહેલા છે. તે કાર્યમાં તેમને ઘણી મુશ્કેલીઓ અને તિરસ્કારની સામે થવું પડ્યું હતું. છતાં આખરે તે ભારતવર્ષના તત્વજ્ઞાન માટે પાશ્ચાત્ય પ્રજાઓમાં માનની લાગણી ઉત્પન્ન કરી શક્યા છે. તે મહત્‌કાર્યમાં