પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સંવાદોમાં સ્વામીજીએ ભારતવર્ષને પોતાનો સંદેશ કહેલો છે. તે સંવાદો સ્વદેશપ્રીતિ અને ધર્મભાવનાથી ભરપુર છે.

એક દિવસ એક શિષ્ય જોડે વાત કરતાં સ્વામીજી કહેતા હતા કે; છેલ્લાં હજારેક વર્ષથી તમને હિંદવાસીઓને એમજ કહેવાતું રહ્યું છે કે તમે નિર્બળ છો અને તમે પણ તેમજ માની બેઠેલા છો; પરંતુ આ મારૂં શરીર પણ તમારી પેઠે ભારતભૂમિમાંજ જન્મ પામેલું છે કે નહિ ? છતાં પણ જે પરદેશીઓ તમને નિર્બળ અને હલકા ગણે છે તેઓ મને શા કારણથી ગુરૂ તરીકે માને છે ? મારી આત્મશ્રદ્ધાથી અને પ્રભુકૃપાથીજ તેમ બન્યું છે. મારામાં જે આત્મશ્રદ્ધાએ વાસ કરેલો છે તે આત્મશ્રદ્ધા જો તમારામાં હોય–જો તમે પણ એમજ માનો કે તમારામાં અપરિમિત શક્તિ અને નિઃસિમ જ્ઞાન ભરેલાં છે તો તમે પણ અવશ્ય મારા જેવા થઈ શકો અને અદ્‌ભુત કાર્યો કરી શકો. તમે કહેશો કે એ વિચાર કરવાનુ સામર્થ્ય અમારામાં ક્યાં છે ? અમારામાં તેવી શ્રદ્ધા જગવનારા અને અમને એવા સામર્થ્યનો બોધ આપનારા ગુરૂઓ ક્યાં છે ? પરંતુ તમને તે આત્મશ્રદ્ધા અને સામર્થ્યનો બોધ કરવાને અને મારા પોતાના દૃષ્ટાંતથી તમને તે પ્રત્યક્ષ કરાવવાનેજ હું તમારી પાસે આવેલો છું. તે મહા સત્યને તમે મારામાંથી શિખો અને અનુભવો. પછી શહેર શહેર અને ગામે ગામ ફરીને એ સત્યને ફેલાવો. જાઓ, અને દરેક ભારતવાસીને કહો કે, “ઉઠો, જાગૃત થાઓ, સ્વપ્નાવસ્થાનો ત્યાગ કરો. જાગૃત થાઓ અને તમારામાં રહેલા દેવત્વને બહાર કહાડો.” દુનિયામાં એવી આવશ્યકતા એકે નથી, એવું દુઃખ એકે નથી કે જે આત્મશ્રદ્ધાથી દૂર ન થઈ શકે.

હવે કેટલાક પંડિતો પણ સ્વામીજીના જ્ઞાનનો કસોટિ કહાડવાને સીલના બગીચામાં આવવા લાગ્યા. વેદ અને દર્શનોમાં પારંગત થયેલા