પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૯
ઉપસંહાર.


એજ તેનું મુખ્ય લક્ષણ હતું. જુદા જુદા પંથનાં, ભિન્ન ભિન્ન સ્વભાવના અને ભિન્ન ભિન્ન વિચારવાળાં મનુષ્યને તે જ્ઞાન પુરું પાડતું. સ્વામીજી કહેતા કે "વેદાન્ત ધર્મ તરિકે ગ્રાહ્ય થવાને માટે ઘણુંજ વ્યાવહારિક હોવું જોઈએ. આપણે તેને આપણા જીવનના દરેકે દરેક અંગમાં ઉતારવાને શક્તિમાન થવું જોઈએ. વેદાન્તજ્ઞાન ઉપરની ઘણીજ સુંદર ટીકારૂપ ભગવદ્‌ગીતા ઉપદેશવા માટે પણ શ્રીકૃષ્ણે યુદ્ધસ્થળને પસંદ કર્યું છે. ગીતાના દરેક પૃષ્ઠમાં જે મુખ્ય બોધ ઝળકી રહેલો છે તે અત્યંત પ્રવૃત્તિ વિષેનો છે, પણ તે પ્રવૃત્તિમાં પૂર્ણ નિષ્કામતા અને ધીરજ રાખવાની છે. આ સિદ્ધાંતજ આપણી પ્રકૃતિને રસ પડે તેવી રીતે ઉપયોગમાં લઇને તેમજ ખીલવીને મોક્ષપદ પામવાની કુંચી છે. એ કુંચી સર્વેને પ્રાપ્ત કરાવવી એજ વેદાન્તનું લક્ષ્ય છે. સર્વ શ્રેષ્ઠ ઉન્નતિની અદ્ભુત ચાવીરૂપ આ સિદ્ધાંતો જંગલમાં કે ગુફાઓમાં રહેવા જોઈએ, એટલુંજ નહિ પણ તે બહાર આવવા જોઈએ; તે ન્યાયની અદાલતોમાં, દેવળોમાં, ગરીબોના ઝુંપડામાં, વિદ્યાર્થીઓમાં, કારીગરોમાં, મજુરોમાં, માછીઓમાં અને સર્વમાં પ્રસરવા જોઈએ.”

ભારતવર્ષના આત્મામાં આ વેદાન્ત ઉંડું પ્રવેશી રહેલું છતાં પાશ્ચાત્ય સંસ્કૃતિના મોહથી અત્યારે તે પોતાના શુદ્ધ સ્વરૂપને બહુજ ભૂલી બેઠેલું છે. તેને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવીને તેના જીવનપ્રવાહને જગતમાં પોતાનું સ્થાન ખોળી લેવાને છુટો મૂકી દેવો એ એમના મનની ધારણા હતી. પરમપદનો સાક્ષાત્કાર કરવાને માટે આ સમયના સર્વ શ્રેષ્ઠ માર્ગ તરિકે જનસેવા પાછળ સર્વ ભાવે આત્મભોગ આપવાનું તે શિખવતું હતું અને એથીજ કરીને સ્વામી વિવેકાનંદ હિંદના જીવનમાં એક પ્રકારનું નવીન ચેતન રેડી શક્યા છે, ધાર્મિક મનુષ્યોને તેમણે ધર્મને વ્યવહારિક સ્વરૂપ આપવાનું, તેના