પૃષ્ઠ:Tarlaa.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૩
લગ્ન પછી.


બળને અભાવે યુવાનોમાં પણ સહન ન કરવાની શક્તિ વધતી જાય છે અને લાગણીનું જોર બહુ થાય છે. આથી એકદમ આનંદ-એકદમ ગ્લાનિ–અસંતોષ ઉત્પન્ન થાય છે અને સાચું સુખ, સાચી શાન્તિ મળતાં નથી. જુઓને આ અરવિન્દભાઈ જેટલા સુખી છે તેટલો સુખી હું કોઈ દિવસ થઈશ કે કેમ તે વિશે મને શંકા છે.

અરવિન્દ–ભૂજંગલાલ ! હું મુંબાઈ આવ્યો અને જ્યારે તમને સોસાયટીમાં ફરતાહરતા જોયા ત્યારે અને તમારી સાથે વિવાહને માટે પોતાની કન્યાઓ આપવા અનેક માબાપ તલપી રહેલા સાંભળ્યાં ત્યારે તો મને મારી પોતાની જાત માટે તિરસ્કાર આવ્યો હતે. પરન્તુ જેમ જેમ વખત ગયો, દૂર રહી પરિપકવ યુવાનોના વિચારો જોયા, તેમના સંસાર જોયા ત્યારે જ મને મારા જીવનની ખૂબી જણાઈ. અને તેમાં પણ લીલાનામાં જે ફેરફાર થયો છે ત્યારથી તો હું સ્વર્ગસુખ ભોગવું છું.

તરલા-અરવિન્દભાઈ ! એ ફેરફાર જુગલભાઈની મૃત્યુપથારીને લીધે થયો છે. પણ તમે એમ ધારો છે કે સોસાયટી ખરાબ છે? તમારી પેઠે દરેકે ગામડામાં રહેવું ને બહાર હરવું ફરવું નહી ?

અરવિન્દ-તરલા ! મ્હારું એવું કહેવું નથી. આ ચંદા બ્હેન છે. એ ગમે તેવી ને ગમે તેટલીવાર સોસાયટીમાં ભલે ફરે તે પણ એમના ઉપર અસર ઓછી થવાની. સોસાયટીમાં ન કરવાથી ઘણા ગેરફાયદા છે. માત્ર જેમ એક નવલકથા વાંચવા આપતાં પહેલાં વાંચનારનું મન મજબૂત છે કે કેમ તે જોવાની જરૂર છે તેમ છોકરીઓ ઉપર બહારના આડંબરની અસર ન થાય તેમ તેમને કેળવવાની જરૂર છે. તમેજ ભૂજંગલાલના-તે વખતના ભૂજંગલાલના આડંબરથી લોભાયાં હતાં ને? સારું ખોટું પરખવાની ટેવ તે વખતે તમને પડી નહોતી-માત્ર લાગણીઓ જ ખીલવાઇ હતી.

તરલા-અરવિન્દભાઈ ! તમારું કહેવું રજેરજ ખરૂં છે. જો મારી લાગણીઓ જ ખીલવ્યા કરવાની સાથે સાથે મોહ ન પામવા શિખવ્યું હતુ તો આ સ્થિતિ ન થાત. આટલા જ માટે