પૃષ્ઠ:Thag.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪: ઠગ
 


‘જો તમે ઠગ નહિ તો કોણ છો તે જણાવવું જોઈએ. હું તો તમને ઠગ માન્યા જ કરીશ.’

તેનું મુખ સહજ ગંભીર થયું અને કોઈ વિદ્વાન વાચાળને શોભે એવું મુખ કરી તે બોલ્યો :

‘ખરી વાત છે. જગતમાં કયો માણસ ઠગ નથી ? અમારા પંડિતો તો કહે કે ઈશ્વર જે શક્તિ વડે આ સંસાર રચે છે એ શક્તિ - માયા - પણ ઠગ છે.'

આ રમતિયાળ લાગતો છોકરો મોટે મોંએ હિંદુઓનો માયાવાદ સમજાવતો હતો. એ જોઈ હું હસ્યો. મેં તેને સ્પષ્ટ કહ્યું :

‘આપણી મુદ્દાની વાતને ફિલસૂફીની ચર્ચામાં ઘસડી જવા હું માગતો નથી. તમે કોણ છો એ તમારે મને કહેવું જોઈએ.’

‘કહીશ...કોઈક દિવસ વખત આવ્યે.' તેણે બેદરકારીથી જણાવ્યું. ‘વખત હમણાં જ છે. તમારે સમજવું જોઈએ કે તમે મારા તંબુમાં છો.’ મેં ગંભીર થવા માંડ્યું. બળ દેખાડ્યા વગર આ છોકરો પોતાની હકીકત નહિ કહે એમ લાગવાથી મેં બળ બતાવવાની તૈયારી કરવા માંડી.

‘એટલે ?' તેણે પૂછ્યું.

‘એટલેબેટલે કાંઈ નહિ. તમે જાણો છો કે હું ઠગ લોકોનો નાશ કરવા માટે નિમાયલો છું. મને પૂરેપૂરો શક જાય છે - અરે મારી પાસે સાબિતી જ છે કે તમે ઠગ છો. વળી તમે મારા તંબુમાં છો એ વાત તમારે ભૂલવી ન જોઈએ.' મેં ગોરીસત્તાનો તેને અનુભવ આપવા માંડ્યો.

'તમારા તંબુમાં છું તેથી તો હું વધારે નિર્ભય છું.' તેણે હસતે મુખે આસાએશ ભરેલી ઢબે જવાબ આપ્યો.