પૃષ્ઠ:Trishanku.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪ ત્રિશંકુ
 

‘હું પણ એ ઈલાજ જ શોધતી હતી. એ મને જડ્યો નહિ એટલે મને રડવું આવ્યું. સ્ત્રીદેહ કોઈને મળવો જ ન જોઈએ.’ તારાએ કહ્યું.

દર્શનને જરા હસવું આવ્યું. હસતે હસતે તેણે કહ્યું :

‘જો તારા ! બધી જ સ્ત્રીઓ તારા જેવી પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ એ પ્રાર્થના સાંભળે અને પ્રભુ કોઈ સ્ત્રીને દુનિયામાં જન્માવે જ નહિ તો ?...'

'તો શું ? જે થાય તે ખરું.’

‘તારા ! એમ થાય તો આખી દુનિયા ઉપર પ્રલય ફરી વળે.'

'પુરુષો પ્રલય જ માગે છે... દર્શન ! બધા જ પુરુષો આવા હશે ?'

‘આવા એટલે ?' દર્શને પૂછ્યું.

‘આવા એટલે... સ્ત્રીઓ સામે જોયા જ કરે, સ્ત્રીઓ સામે લોલુપ આંખ કરે, સ્ત્રીઓને ફોસલાવે, અને નહિ તો સ્ત્રીઓ ઉપર જોરજુલમ પણ કરે ! તેં મારા એક-બે અનુભવ તો તારી નજરે જ જોયા છે ! બધા જ પુરુષો આવા હોય, એમ ?' તારાએ સ્પષ્ટતા કરી.

‘હા, તારા ! બધા જ; સોએ સો ટકા પુરુષો આવા જ !'

‘ત્યારે તું પણ એવો જ ને ?' તારાએ દર્શનને પણ પોતાના ક્રોધવર્તુળમાં સામેલ કરી દીધો.

‘સો ટકામાં... હું પણ આવી ગયો ને ?' દર્શને સહજ હસીને જવાબ આપ્યો.

‘તો પછી... તેં કદી મારી સામે... અણગમો આવે એવી કૂડી નજર કેમ કરી નથી ?... જેમ બીજા બધા કરે છે તેમ ?'

‘હં, એ પ્રશ્ન છે ખરો. પણ તારા ! કદાચ... તું મારી સામે કે મારી આંખ સામે જોતી નહિ હો !'

'અરે શી વાત કરે છે દર્શન ? મેં તો ઘણી વાર તારી સામે, તારી આંખ સામે જોયું છે ! જોને, અત્યારે પણ હું જોઉં છું - તારી આંખ સામે.' કહી તારાએ દર્શનની આંખ સામે જોયું અને હસતે હસતે દર્શને પોતાની આંખ ફેરવી લીધી અને કહ્યું :

'એક ભારે મુશ્કેલી છે, તારા ! કઈ સ્ત્રીને કોની આંખ કૂડી લાગશે એ હજી શાસ્ત્રીય રીતે નક્કી થયું નથી. એટલે બધી આંખો અજમાયશ કરી જુએ; જ્યાં અનુકૂળ આંખ લાગે ત્યાં આંખને સમાવી દે. પરંતુ આંખને કોઈકે પણ હલાવવી તો રહી ને ?'

‘જા, જા. પુરુષોનો ખોટો બચાવ ન કરીશ. તારી આંખ મને એવી લાગી હોત તો મેં તને પણ કહ્યું જ હોત.' તારાએ પુરુષવર્ગનો બચાવ કરતાં