પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧ : ત્રિશંકુ
 

‘ભલે ન આવડ્યું...એની હરકત નથી... અમને તો સહુને આવડ્યું! ... હજી ભાભીની પેટી તો ભરેલી સંતાડી રાખી છે.' તારા બોલી.

‘દર્શન પણ એની કમાણીની બચત અહીં જ મૂકે છે... માત્ર એને ઘરનો માણસ ન બનાવીએ ત્યાં સુધી એ ખોલવાની ના પાડે છે !' સરલાએ કહ્યું. દર્શન દૂર બેઠે બેઠે કાંઈ વર્તમાનપત્ર વાંચી તે ઉપર પેન્સિલના લીટા પાડતો હતો !

‘ઘરનો માણસ એટલે ?' રોજ ઘરમાં રહેતા દર્શનને ઘરનો માણસ કેમ ન બનાવાય એની ગૂંચવણમાં પડેલા નાનકડા અમરે પ્રશ્ન કર્યો.

નાની છતાં ઘણું ઘણું સમજતી શોભાએ નાના ભાઈને ડાર્યો :

‘ચૂપ રહે, બધાં વચ્ચે બોલબોલ કરે છે તે !'

ભાઈ-બહેનની ધીમી વાત ઉપર ધ્યાન આપી શકેલા કિશોરની દૃષ્ટિ જૂના... ચાલીની ઓરડીમાં ભીંતે લટકતા રહેતા કેલૅન્ડર ઉપર પડી હતી ! આજ પગારદિન હતો. !... જે કેટલાક માસ પહેલાં ઝેરભર્યો દિન બની રહેતો હતો !... આજ એ જ દિનની આસપાસ પ્રકાશ દેખાતો હતો ! થોડી વાર કેલૅન્ડર તરફ નિહાળી ચૂકેલા કિશોરના મુખમાંથી શબ્દો વહ્યા :

'આજ મારો કથળેલો પગારદિન પહેલી જ વાર શુકનિયાળ નીવડે છે !... તારા અને દર્શનને હું જ પરણાવીશ.'

તારા અને દર્શન બન્ને ઊઠીને બીજે કામે વળગ્યાં. શોભા પણ સહજ હસતી હસતી ઊભી થઈ. બહેનમય બની ગયેલો અમર પણ શોભા સાથે ઊભો થયો અને સહુ સાંભળે એમ પૂછી રહ્યો :

‘બહેન ! પરણવું એટલે ?'

'ચાંપલો કહીંનો !' આંખો કાઢી શોભાએ ન સમજાય એવો જવાબ આપી એને ખંડ બહાર લીધો, અને રસોડામાં જમવાની તૈયારીમાં પડી.

જમ્યા પછી સહુ સૂતાં... વધારે વાતો કરીને. અમરના અજાણ હૃદયમાં હજી પ્રશ્ન અણઊકલ્યો જ રહ્યો હતો: ‘પરણવું એટલે ?' માની પાસે સૂતે સૂતે અમરે માને પ્રશ્ન કર્યો - બહેને જવાબ ન આપ્યો એટલે !

'મા! પરણવું એટલે ?'

'જો ! તારાબહેન અને દર્શનભાઈનાં લગ્ન થાય તે તું બરાબર જોયા કરજે. એટલે તને પરણવું કોને કહે છે તે સમજાશે.' માતાએ પુત્રને સમજણ પાડી..

‘તે... એ બે જણ જ પરણે ! એમ ? બીજું કોઈ કેમ નહિ ?' અમરને મન પરણવાની સમસ્યા હજી ઊકલી ન હતી.