૧૧૦ : તુલસી-ક્યારો
જાણે ઘરકામ કરી રહી હતી. આવડા પ્રબલ આકાશી દૃશ્યે આ વૃદ્ધની નસોમાં નવું બળ પૂર્યું. એણે સ્નાન પતાવી, દેવુને જગાડી, પોતાની સાથે લઇ, વહેલા પ્રભાતે આશ્રય-ધામ શોધી કાઢ્યું. થોડા થોડા ભળભાંખળામાં બેઉ જણાએ આશ્રય-ધામને ચાર પાંચ ચક્કર લગાવ્યાં. પણ હજુ અંદર કશો અવર જવર નહોતો.
દાદા અને દેવુ બેઉ આશ્રય-ધામની દીવાલ પાસેની એક પીપર નીચે બેઠા બેઠા રાહ જોવા લાગ્યા.
'જોજે હો દેવુ !' દાદાએ ભલામણ કરી 'બા નીકળે કે તૂર્ત તું મને બતાવજે હો. હું નહિ ઓળકહી શકું. મેં તો એ બાપડીને પૂરી જોઇ પણ ક્યાં છે?'
પ્રભાત થયું ત્યારે પહેલવહેલો જ જે પુરુષ આશ્રય-ધામના દરવાજા પર આવી સાંકળ ખખડાવતો ઊભો તેને દૂરથી દેખીને દેવુનો દેહ ભયની કમ્પારી અનુભવતો અનુભવતો દાદાની નજીક સંકોડાયો.
'કેમ દેવુ ? કેમ બીનો ?' દાદાએ પૂછ્યું.
ત્યાં તો દરવાજો ઊઘડ્યો ને એ માણસ અંદર દાખલ થયો, તે દેખીને હિંમત અનુભવતા દેવુએ જવાબ દીધો : 'એ જ મેં કહ્યો હતો તે-પેલો.'
'કોણ પેલો?'
'જેને ભાસ્કર ભાસ્કર કહે છે તે.'
ભાસ્કરનું નામ સાંભળવું અને ભાસ્કરને નજરોનજર નિહાળવો, એ દેવુના દાદાને માટે સહેલું કામ નહોતું. પુત્રને કન્યા શોધી આપનાર અને પુત્રના સર્વ હિતના રક્ષક બનનાર આ માનવીનું નામ એનાથી અજાણ્યું નહોતું. પુત્રનો ઘર સંસાર પણ કોઇક ભાસ્કરભાઈ