'આંહીં ક્યાં?'
'આપણો સંચો છે ને?' એક નવો નકોર અણવાપર્યો સંચો, જે કંચને એક દિવસ બજારમાં ઊભાં ઊભાં કલહ કરીને ખરીદાવેલો તે દીવાનખાનાના ખૂણામાં ગોઠવેલો ભદ્રાએ બતાવ્યો.
આજ સુધી તો એ સંચો કોઠારમાં બીજા બધા ઓજીસાળાની સાથે પડ્યો હોઇ વીરસુતે કદી જોયેલો નહિ. અત્યારે એ ઠેકાણેસર ગોઠવાયેલો, ઘસીને લૂછેલો, હસું હસું કરતા જીવતા કુટુંબીજન જેવો લાગતો હતો. સંચા પાસે જઈ જીવતા જાનવરને પંપાળે તેમ પંપાળતા પંપાળતા વીરસુતે પૂછ્યું:
'તમને નેથી આવડતું સીવતાં?'
'ના ભૈ! ક્યાંથી આવડે બાપ ! આપણા ઘરમાં તો......'
એ સહેજ હસીને બાકીનું વાક્ય હોઠેથી હૈયે ઊતારી ગઈ. એને કહેવું તો હતું કે આપણા ઘરમાં તમારાં જેવાં આ રેશમી અને ગરમાઉ સૂટ કોણ પહેરતું હતું તે સંચાની જરૂર પડે? અથવા કદાચ એને એમ પણ કહેવું હશે કે અમારાં જેવાં અભણ ગામડિયાં બૈરાં સંચા ચલાવવા જેવાં સુધરેલાં દેખાવા લાગે તો આજુબાજુનાં બૈરાં મશ્કરી જ કરે ને !
ત્યાં ઊભે ઊભે વીરસુતની દૃષ્ટિ આ ઓરડાની બાજુના બીજા ઓરડામાં પડી, ને એક કશીક સુપરિચિત સુગંધ પણ આવી.
'આંહીં આ શું ટાંગ્યું છે બધું?' એમ બોલતો બોલતો એ ત્યાં જઇને જુએ છે તો ત્રણ મોટા મોટા કબાટો ખુલ્લા પડેલા છે, ને તેની અંદર ટરપેન્ટાઇન ચોપડેલું છે. ઓરડાની અંદર લાંબી ને પહોળી વળગણીઓ બાંધેલી છે તે રંગબેરંગી કપડાંને ભારે લચી પડી છે. એ જાણે કપડાંની