પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬૪ : તુલસી-ક્યારો


બંધણું હતું. વીરસુતને ભાન થયું કે આટલા વખતથી આવેલી વિધવાનું કેશ-મૂંડન થઇ શક્યું નથી.

'શી જરૂર છે?' વીરસુતથી વગર વિચારે બોલી જવાયું.

ભાભીનું મોં ભોંય તરફ હતું તે ચૂલા તરફ ફરી ગયું, ને એની પીઠને જાણે કે વીંધીને શબ્દો આવ્યા, ' તો મને રજા આપો ભૈ, હું બાપુજી કને જઇને આ પતાવી પાછી આવીશ.'

'આંહીં ક્યાં આપણે કુટુમ્બ કે ન્યાતનો લોકાચાર રાખવાની જરૂર છે ભાભી? શા માટે તમારું માથું...' વીરસુત બધુ બોલતાં વળી કાંઈક ભૂલ ખાઈ બેસશે એવો ડર ખાઇ થોથરાતો હતો.

'લોકાચાર હું નથી કરતી ભાઇ!' ભદ્રાએ આ કહેતી વખતે, આટલા દિવસમાં પહેલી જ વાર દેરની સામે પૂરેપૂરો ચહેરો ધરી રાખ્યો. એનો ગભરાટ, એનો સંક્ષોભ, એનો થરથરાટ, બધાં કોણ જાણે ક્યાં ચાલ્યાં ગયાં હતાં; એ એકેય શબ્દનું ઉચ્ચારણ અસ્પષ્ટ રહેવા દીધા વગર બોલતી હતી: 'મારે માથે ભાર થયો છે. મને એ ગમતું નથી. આજે સાંજે હજામ જોશે ભૈ, વિસરી ના જતા.'

આ શબ્દો જરા પણ ઉગ્રતા વગર બોલાયા, છતાં તેની અંદર આજ્ઞાના ધ્વનિ હતા. ભદ્રા વીરસુતથી એકાદ વર્ષે નાની કે સમવયસ્ક હશે, પણ આ શબ્દો અને આ મોરો જોઈ વીરસુતે વિભ્રમ અનુભવ્યો, કે ભદ્રાનું વય પોતે ધારે છે તેથી ઘણું વધારે છે.

આજ સુધી એક વાક્ય પણ પૂરા અવાજથી ન બોલેલી ભદ્રા અત્યારે આ બે ચાર વાક્યોની આખી સાંકળ એકધારી સ્પષ્ટતાથી બોલી ગઈ તે આશ્ચર્યજનક હતું. એને ભાન થયું કે બધી જ બાબતો આ