આકાશની વાદળીઓમાં કોઇક ઢેઢગરોળી જેવી જાણે નાની વાદળીઓ રૂપી જીવડાંને ગળતી હતી, તો કોઈક પાડો ને ભેંસ જેવી ભાગાભાગ કરી સૂર્યનાં કનકવરણાં ખેતરો ખૂંદી નાખતી હતી.
આવીને એણે ઓરડામાં જતાં જતાં ભાભીના સાંધણ સીવણના ઢગલા ઉપર એક ટપાલનું કવર ફેંક્યું ને એના ચઢેલા મોંમાંથી ફક્ત ત્રૂટક જ વાક્ય પડ્યું કે : બાપુજીનો કાગળ...'
તે પછી કોણ જાણે શા યે બબડાટ વીરસુતને ઓરડે ચાલુ રહ્યા.
કાગળ વાંચીને ભદ્રાએ પાછી એની ઘડી કરી. ઘડી કરવામાં વીરસુતે ભૂલ કરી હતી તેથી મૂળ ઘડીઓ ને નવી ઘડીઓ વચ્ચે અડાબડ થઇ હતી. પરબીડીઆમાં કાગળ બરાબર સમાયો નહિ એથી ભદ્રાએ કગળ ફરી બહાર કાઢી એની અસલ ઘડીઓ મુજબ એને સંકેલ્યો, ને પછી કવરમાં મૂક્યો. સાંધણાં સાંધી રહી ત્યાં સુધી ઊઠી નહિ. વીરસુતના બબડાટો ચાલતા હતા તે તરફ કાન માંડી રહેલી ભદ્રાનું મોં ઘડીક મલકાટ કરતું હતું ને ઘડીક ઝાંખું બનતું હતું.
ચહાનો વખત થયે ચહા બનાવીને પોતે અંદર આપવા ગઈ ત્યારે એ ત્યાં ઊભી રહી. વીરસુતનું મોં મધમાખોએ ચટકા ભર્યા જેવું જાણે સોઝી ગયું હતું. ને એવા મોંએ વીરસુતની શકલ આખી બદલાવી નાખી હતી. એ મુખમુદ્રા કોઇ કૉલેજ ભણાવતા પ્રૌઢ પ્રોફેસરની કે કોઇ જીવનભગ્ન, હતાશ કટુતાભર્યા માનવીની નહિ, પણ રિસાઈને બેઠેલા કોઈ એક કિશોર બાળકની હતી. ચહા પી લીધા સુધી યે એ કશું ન બોલ્યો ત્યારે ટ્રે ઉપાડતી ભદ્રાએ જ વાતનો પ્રારંભ કર્યો 'બાપુજીનો કાગળ મેં વાંચ્યો ભૈ!'
'ઠીક.' વીરસુત એટલું બોલી પોતે ઉતારી નાખેલાં ચશ્માં ચઢાવવા લાગ્યો, જાણે એનું કશુંક વાંચન ખોટી થતું હતું. પણ