લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭૦ : તુલસી-ક્યારો


જતાં કે વાતની વિગતે ચડવાનો એ પ્રયત્ન ગવૈયા પોતાના ગળાના તંગ બનેલા સ્વરતંતુઓને ઠેકાણે લાવવા જે રાગડા કાઢવાનું મંથન કરે છે તેને મળતો હતો. ભદ્રાને અનસુ એવી તો સાંભરી આવી હતી કે જો આટલી વિગતથી વાત કરવામાં એ ન ચડી ગઈ હોત તો અધરાત સુધી એનું રુદન વિરમત નહિ.

આ રહસ્યના અણજાણ વીરસુતે ધારાબંધી વાત કહ્યે જતી ભદ્રાને હોંકારો તો દીધો નહિ, પણ સામું સરખું ય ન જોયું. વાત પૂર થઈ એટલે એણે પૂછ્યું, 'બોલો, કયા દિવસનું લખી નાખું?'

'પરમ દિવસનું લખો ભૈ ! ના રહો, પરમે તો બુધવાર આવે છે. આપણે દેર ભોજાઇ દેખી પેખીને બુધવારે જુદા નહિ પડીએ. વળતે દા'ડે ગુરુવારે નહિ ને શુકરવારે...'

'આજે રાતે શો વાંધો છે?' વીરસુત કેમ જાણે ભદ્રાને કાઢી મૂકવા માગતો હોય તેવા તોછડા સુરે બોલી ઊઠ્યો.

'એમ કંઈ ઘર રેઢું મેલીને ચાલી નીકળાય છે ભૈ ! હજુ બધું ઢાંકવું ઢૂંબવું છે, હજી સાંધવાન તૂંનવાના કપડાં બાકી છે, હજુ મેં નવાં મગાવેલાં અનાજને સાફ કરાવી વાળ્યાં નથી, ચૂલા તૂટી ગયા છે. તે નવા નખાવવા મેં એક ઠાકરડીને તેડાવી છે તે હજુ આવી નથી, હજુ રસોયાની તજવીજ કરવાની છે; એમ કાંઈ ઘરને રઝળતું મૂકીને ચાલી નીકળાય છે ભાઈ! ઘર છે, ધરમશાળા થોડી છે?'

કહીને ભદ્રાએ ચહાની ટ્રે પોતાના થાકેલા ડાબા હાથ પરથી જમણા હાથની હથેળી પર જમણાં ખભે ચડાવી.

'ઘર છે, ધર્મશાળા નથી,' એ શબ્દો પર આવતાં વીરસુતનાં મોંમાંથી રહ્યા સહ્યા કર્કશ શબ્દો પણ વિલય પામી ગયા. જાણે કે