લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪:તુલસી-ક્યારો

ને પાછલી પરશાળે સોમેશ્વર માસ્તરના સાળા એટલે કે પ્રો. વીરસુતના આંધળા મામા જ્યેષ્ઠરામ હાથના હળવા હળવા તાળોટા પાડીને 'રઘુપતિ રામ રુદેમાં રે'જો રે' એ પદ ગાતા હતા. એમ કરવામાં કોઈને પ્રકાશની જરૂર નહોતી.

પહેલો દીવો હમેશાં ઘરમાં તુલસીના રોપ પાસે જ પેટાતો. સોમેશ્વર માસ્તર અથવા દેવુ જ સાંજનું સ્નાન કરીને પછી એ પેટાવતા. આજે જરા અસૂર થયું હતું તે તો યમુનાના આવવાને કારણે. પરંતુ ઘરમાં યમુનાના માર ખાઈને ભાગી આવવાથી કશો જ મોટો અકસ્માત બન્યો નહોતો. કોઈને ન લાગ્યું કે નવી કશી મૂંઝવણ આવી પડી છે. નાનાં મોટાં સૌ પોતપોતાનાં ઠરેલા કામકાજમાં મગ્ન હતાં. મોટા ફળીની બે ચાર પાડોશણો કુતૂહલવૃત્તિને દબાવી ન શકાયાથી ક્યારની આંટો મારી ગઈ હતી. એમને તમામને વિધવા ભદ્રાએ મીઠો પણ ટૂંકો જવાબ વાળી દીધો હતો કે, સારું થયું કે યમુનાબેન હેમખેમ પાછાં ઘેર આવ્યાં. મને તો નિરાંત વળી ગઈ. મારું તો કાળજું ફફડી હાલતું.'

'પણ ત્યારે મૂઈ' ફળીની પડોશણ કહેતી, 'તમારે જ આવડી બધી શી પડી છે જમનીની? એની બેન્યુંને ત્યાં મોકલી દોને.'

'મારા સસરા ના પાડે છે.'

'સોમેશર ભઈજીને તો પારકી પળોજણ કરવાના હેવા જ છે બાઇ!' સરસ્વતી ડોસીએ કહ્યું.

'ના મા, સંજ્યાટાણું છે. મારા સસરાનું વાંકું લગીરે બોલતાં ના, તમારે હાથે પગે લાગું શરશતી બૈજી !' એમ હસતે મોંયે બોલતી બોલતી વિધવા ભદ્રા પાડોશણનો પગ પકડી લઈને ચુપકિદી પળાવી શકેલી.